ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
અફઘાનિસ્તાનની અરાજકતાથી ડ્રાયફ્રૂટ્સના ભાવમાં આસમાની ઉછાળો જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનથી ડ્રાયફ્રૂટ્સની આયાત બંધ થઈ જતાં તહેવારોમાં જ ડ્રાયફ્રૂટ્સ મોંઘાં થઈ ગયાં છે. એમાં પ્રસાદ સહિત અનેક પ્રકારના ખાદ્ય પદાર્થમાં વપરાતી કિસમિસનો પણ સમાવેશ થાય છે. જોકે અફઘાનિસ્તાનની અંશાતિને કારણે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં કિસમિસના ભાવમાં રાતોરાત વધારો થયો છે. સાથે જ સાંગલીની કિસમિસની ડિમાન્ડ પણ વધી ગઈ છે. પ્રતિકિલોએ 25થી 30 રૂપિયાનો વધારો થયો છે. હાલ સાંગલીમાં હોલસેલમાં કિસમિસ કિલોએ 240થી 260 રૂપિયા સુધી વેચાઈ રહી છે.
અફઘાનિસ્તાનથી ડ્રાયફ્રૂટ્સની આયાત ઠપ્પ થઈ ગઈ છે, જેમાં મોટા પ્રમાણમાં કિસમિસની આયાતને ફટકો પડયો છે. ખાસ કરીને ભારતમાં શ્રાવણ મહિનામાં તહેવારો દરમિયાન અને દશેરા તથા દિવાળીમાં સૂકામેવાની ડિમાન્ડ વધી જતી હોય છે, ત્યારે ઑગસ્ટ, સપ્ટેમ્બરમાં આયાત કરવામાં આવે છે. જોકે અફઘાનિસ્તાનથી માલ આવતો બંધ થઈ ગયો છે. હવે દેશી કિસમિસ તરફ લોકો વળ્યા છે. એમાં સાંગલી અને નજીકના તાસગાવની બજારમાં કિસમિસના ભાવ ઊંચકાયા છે.
હોલસેલમાં કિલો પાછળ 240થી 260 રૂપિયાની આસપાસ ભાવ પહોંચી ગયો છે. આગામી દિવસમાં આ ભાવ હજી ઉપર જવાની શક્યતા છે. હાલ સાંગલીની બજારમાં 80થી 100 કોલ્ડ સ્ટોરેજમાં લગભગ 60 હજાર ટન કિસમિસનો માલ સ્ટોર છે.
