ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જૂન 2021
મંગળવાર
સોમવારથી મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો સામે મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત મહારાષ્ટ્રના તમામ જિલ્લાના વેપારીઓમાં અસંતોષ ફેલાયો છે. સરકારની ચિંતા વાજબી, પણ દુકાનો ખોલવા અને અન્ય સેવા પરના પ્રતિબંધ એટલે વેપારીની જ નહીં પણ દેશની આર્થિક કરોડરજ્જુ ઉપર ફટકો મારવા સમાન છે. વેપારીઓ પર આત્મહત્યા કરવાની નોબત ઊભી થઈ હોવાની દલીલ સાથે રાજ્યભરના વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે.
રાજ્યનાં અનેક શહેરો અને જિલ્લાઓ લેવલ એક અને બેમાં આવી ગયા હતા. જેને પગલે મોટા ભાગના પ્રતિબંધો હટી ગયા હતા. વેપારીઓના ધંધા ફરી માંડ પાટે ચઢ્યા હતા ત્યાં 15 દિવસમાં જ સરકારે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. હવે સંપૂર્ણ રાજ્યમાં લેવલ 3 હેઠળના પ્રતિબંધ આવી ગયા છે. દુકાન ખુલ્લી રાખવાનો સમય સવારના 7થી સાંજના 4 કરી નાખવામાં આવ્યો છે. એની અસર ફક્ત વેપારી, ગ્રાહક અને ઇન્ડસ્ટ્રીને જ નહીં, પણ મહારાષ્ટ્રની સાથે દેશની આર્થિક કરોડરજ્જુને પણ ફટકો પડ્યો હોવાનું સોલાપુર ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ અને કમિટી સાથે સંકળાયેલા રાજુ રાઠીએ ક્હ્યું હતું.
ડેલ્ટા પ્લસ અને કોરોનાને રોકવા સરકાર જે પગલું લઈ રહી છે અમે એના વિરોધમાં નથી, પણ સવારના 7થી સાંજનો 4 વાગ્યો સુધીનો સમય વેપારીઓની સાથે જ ગ્રાહકોને પણ ફાવતો નથી. લગ્નની મોસમ છે. ધંધો માંડ જામી રહ્યો હતો એમાં સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખીને ધંધો કરવો શક્ય નથી. અમારી ફક્ત એક જ માગણી છે કે સવારના સાતને બદલે સવારના 9 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપો એવી માગણી મહારાષ્ટ્રના તમામ વેપારી વર્ગની છે એવું પણ રાજુ રાઠીએ કહ્યું હતું.
કોરોના ફક્ત મહારાષ્ટ્રમાં જ છે? વેપારીઓનો મુખ્ય પ્રધાન ઉદ્ધવને સવાલ; જાણો વિગત
સરકારના આ નિર્ણયને મૂર્ખામીભર્યો ગણાવતાં મહારાષ્ટ્ર વેપારી મહાસંઘના અધ્યક્ષ અતુલ શાહે જણાવ્યું હતું કે ઍરકન્ડિશન્ડ ઑફિસમાં બેસીને આ નિર્ણય લેનારા અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલી રહ્યું છે એની ભાન નથી. રાજ્યના મોટા ભાગના તમામ વેપારીઓને છેલ્લા દોઢવર્ષમાં ધંધામાં મોટો ફટકો પડ્યો છે. હવે ફરી સરકારે પ્રતિબંધો લાદી દીધા છે. વેપારીઓ કંટાળી ગયા છે. સરકાર વેપારીઓ સાથે આવો જ ભેદભાવ કરતી રહી તો તેમની પાસે આત્મહત્યા કર્યા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.