ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જુલાઈ, 2021
શુક્રવાર
પાર્સલ ઑર્ડર માટે દુકાનનું અડધું શટર ખુલ્લું રાખનારા વેપારીને પોલીસે ઢોરમાર માર્યો હોવાનો ચોંકાવનારો બનાવ મુલુંડમાં બન્યો હતો. પોલીસ દુકાનમાં ઘૂસીને વેપારીને મારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વળ્યા બાદ રોષે ભરાયેલા વેપારીઓએ સંબંધિત પોલીસને સસ્પેન્ડ કરવાની માગણી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના ગૃહપ્રધાનને કરી છે.
મુંબઈમાં ફક્ત ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે, ત્યાર બાદ જોકે પાર્સલ સેવા આપી શકાય છે. મુલુંડ(વેસ્ટ)માં વૈશાલીનગર નજીક આવેલી ભવાની સ્વીટ નામની દુકાનના વેપારી સાથે પોલીસે દુરવ્યહાર કર્યો હોવાનો બનાવ બન્યો હતો. પૅટ્રોલિંગ કરી રહેલી પોલીસે આ દુકાનનું અડધું શટર ખુલ્લું જોયું હતું. એથી તરત સચિન પાટીલ નામનો પોલીસ દુકાનમાં ઘૂસી ગયો હતો. અંદર રહેલા માલિક પ્રકાશ ચૌધરીને ઢોર માર માર્યો હતો. બાદમાં તેને કૉલરથી ઘસડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં જઈને પણ તેને ભારે મારવામાં આવતાં તે ભારે જખમી થઈ ગયો હતો.
પોલીસના આવા અમાનવીય પગલાની ભારે ટીકા કરવામાં આવી હતી. મુલુંડના તમામ વેપારીઓએ પોલીસના આ પગલાનો વિરોધ કર્યો હતો. સંબંધિત પોલીસ સામે પગલાં લેવાની માગણી કરી હતી. પ્રકાશ ચૌધરીના ભાઈએ આ બનાવ બાદ તરત મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને મુંબઈ પોલીસ કમિશરને પત્ર લખ્યો હતો. સંબંધિત પોલીસ સામે સખત પગલાં લેવાની માગણી કરી હતી.
મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીએ આ સંપૂર્ણ બનાવની તપાસ કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. બનાવના દિવસના CCTV ફૂટેજ તેમ જ અન્ય લોકોનાં સ્ટેટમેન્ટ લઈને તપાસ કરીને યોગ્ય પગલાં લેવાનું તેમણે કહ્યું હતું.