ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
મુંબઈ પોર્ટ ટ્રસ્ટે પોતાની માલિકીની જમીનના ભાડા વધારવાનો નિર્ણય લીધો છે. ભાડા વધારાના અન્યાયી એકતરફી નિર્ણય સામે ઈસ્ટર્ન મુંબઈ લેન્ડ યુસર એસોસિએશને વિરોધ કર્યો છે. ભાડૂત, લાઈસેન્સીસ તથા લીઝ પર જમીન ધરાવતા લોકોએ સંયુકત રીતે ઈસ્ટર્ન મુંબઈ લેન્ડ યુસર અસોસિયએશનની સ્થાપના કરી છે. આ નેજા હેઠળ તેઓ હવે MbPT સામેની લડત લડશે. એટલું જ નહીં, પણ દક્ષિણ મુંબઈના સાંસદ અરવિંદ સાવંતે તો MbPTના એકતરફી નિર્ણય સામેની લડતને રસ્તા પર લઈ આવવાની ચીમકી સુદ્ધા આપી દીધી છે.
સોમવારે MbPTના ભાડૂત, લાઈસેન્સી અને લીઝધારકોએ સાંસદ અરવિંદ સાવંત સાથે ફોર્ટમાં એમ.સી.હોલમાં એક મિટિંગ કરી હતી. જેમાં MbPT દ્વારા ભાડા વધારવાના એકતરફી નિર્ણય અંગે ચર્ચા કરીને તેની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. MbPT દ્વારા હાલના ભાડામાં સુધારો કરીને તેને વધારવામાં આવ્યો છે. MbPT સામેની લડત માટે ઈસ્ટર્ન મુંબઈ લેન્ડ યુસર અસોસિયએશનની સ્થાપના બાદ હવે લડત વધુ મજબૂત બનશે ,એવો દાવો કરવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા આ ભાડા વધારાને પાછો ખેંચવાની માગણી MbPTને કરવામાં આવી છે.
અસોસિએશનના કહેવા મુજબ MbPTના ભાડા વધારાના નિર્ણયથી ભાડૂતો, લીઝ ધારકો તથા લાઈસેન્સીના માથા પર વધારાનો બોજો આવી પડશે. વર્ષોથી MbPTને ભાડુ નહીં ભરનારા લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ પણ આવી છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી 1,149 નોન હોમ ઓક્યુપેશન પ્લોટ ધારકોને નોટિસ મોકલવામાં આવી છે. જે 775 લીઝ ધારકોએ જેમણે નોટિસને જવાબ આપ્યો છે, તેઓ અલગથી લડી શકે છે એવું એસોસિએશનના પદાધિકારીઓએ કહ્યું હતું.
MbPTના ભાડા વધારવાના નિર્ણય સામે દક્ષિણ મુંબઈના સાંસદ અરવિંદ સાવંતે પણ નારાજગી વ્યકત કરી છે. તેમના કહેવા મુજબ MbPTની જમીન પર રહેનારા ટાટા કે પછી અંબાણી નથી. તેઓ સામાન્ય માણસો છે. રેન્ટલ ચાર્જિસમાં 6 ટકા સુધીનો વધારો અયોગ્ય કહેવાય. સેન્ટ્રલ ગર્વમેન્ટને તેમણે અત્યાર સુધી MbPTના ડેવલપમેન્ટના પ્લાનને અમલમાં કેમ મૂકવામાં આવ્યો ન હોવાનો સવાલ પણ કર્યો હતો.
મોંઘવારીનો વધુ એક ઝટકો! ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે કેટલું મોંઘુ થયું ઈંધણ
અહીં ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટે 2017થી 2022ના સમયગાળા માટે ભાડમાં કરેલા સુધારાને લઈને 12 ઓગસ્ટ 2021 અને 14 ઓગસ્ટ 2021ના ભાડુતોને નોટિસ મોકલીને તેમના જવાબ માગ્યા હતા. 3 સપ્ટેમ્બર 2021ના આ મુદ્દે તેઓએ ઓનલાઈન બેઠક પણ કરી હતી. ત્યારે વેપાર, ભાડુતો, તથા લીઝહોલ્ડર દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે આ બેઠકમાં તેમને બોલવાની તક આપવામાં આવી નહોતી. આટલા મોટા પ્રમાણમાં કરવામાં આવેલા ભાડા વધારને કોઈ પણ રીતે માન્ય કરવામાં આવશે નહીં એવી જાહેરાત પણ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. જો ભાડા વધારાને પાછો ખેંચવામાં નહીં આવ્યો તો છેલ્લે સુધી લડી લેવાની ચીમકી મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ભાડુતો, વેપારી, લીઝ ધારકોએ આપી છે.