ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
આ વર્ષે દશેરાએ લોકોએ સોનાની ધૂમ ખરીદી કરી છે. બે વર્ષના લાંબા ગાળા બાદ દશેરાએ આટલી ખરીદી નીકળતાં બજારમાં પણ ખુશાલીનો માહોલ જણાયો હતો. ઝવેરી બજારના જાણકારોના કહેવા મુજબ આ દશેરાએ મુંબઈમાં છેલ્લાં 20 વર્ષની ખરીદીનો રેકૉર્ડ તૂટ્યો છે. લગ્નની મોસમમાં જેટલી ખરીદી નથી થતી એટલી દશેરાએ લોકોએ ખરીદી કરવા તૂટી પડ્યા હતા.
દશેરાના શુભ મુર્હૂતમાં મુંબઈગરાએ લગભગ 400 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હોવાનું બજારના વેપારીઓનું કહેવું છે.
બે વર્ષના લાંબા ગાળા બાદ સોનાની બજારમાં ખરીદીમાં તેજી જોવા મળી હતી, એને કારણે ઝવેરી બજારના વેપારીઓ ખુશીથી ફુલાઈ ગયા છે. દશેરાએ વહેલી સવારથી લોકો સોનાની ખરીદી કરવા ઝવેરીઓને ત્યાં ઊમટી પડ્યા હતા. એક જ દિવસમાં 400 કરોડ રૂપિયાનું સોનું લોકો ખરીદીને ઘરે ગયા છે, ત્યારે દીવાળીમાં ધનતેરસમાં લોકો આવી જ ખરીદી કરશે એવી શક્યતા બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
દશેરાએ મુંબઈગરાએ સોનાની ચિક્કાર ખરીદી કરી હતી એ બાબતે મુંબઈ જ્વેલર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ કુમાર જૈને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે મુંબઈમાં દશેરાએ સોનાની ખરીદીનો છેલ્લાં 20 વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે. આટલા મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરશે એવો અંદાજ નહોતો. સોનાના ભાવ લાંબા સમયથી 58,000 ચાલતો હતો. એ તાજેતરમાં ઘટીને 49,000 પર આવ્યો છે. સોનાના ટેમ્પરરી ભાવ ઘટ્યા છે, એથી લોકોએ આ ઍપૉર્ચ્યુનિટીનો ફાયદો ઉપાડીને ધૂમ ખરીદી કરી છે.
લોકો બે વર્ષ બાદ ખરીદી માટે બજારમાં નીકળ્યા હતા એવું જણાવતાં કુમાર જૈને કહ્યું હતું કે કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને પગલે છેલ્લા દોઢ વર્ષથી લોકો ઘરમાં જ બેસી રહ્યા હતા. લૉકડાઉનને પગલે લોકોએ ઇન્ટરનૅશનલ, નૅશનલ ટૂર કરી નથી. હૉટેલમાં જમવા ગયા નથી. ઘરના પ્રસંગો પણ સાદાઈથી પાર પાડ્યા હતા. એથી લોકો પાસે ભરપૂર પૈસા બચ્યા હતા. એથી દશેરાએ લોકો ખરીદી કરવા ઊમટી પડ્યા હતા. ગયા વર્ષે જોકે ઑનલાઇન 30 ટકા ધંધો થયો હતો. જોકે દુકાનમાં આવીને અપેક્ષાથી ઉપર લોકોએ દશેરાએ સોનાની ખરીદી કરી છે.
લગ્નની મોસમ ચાલુ થવાની હોવાથી લોકો ત્યારે ખરીદી કરશે એવું અનુમાન હતું, પરંતુ મોટા ભાગના લોકોએ દશેરાના શુભ મુહૂર્તમાં જ ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે. એક જ દિવસમાં સોનાની બજારમાં 400 કરોડ રૂપિયાની ખરીદી થઈ હતી. મુંબઈની સરાફા બજારના અગ્રણી વેપારીઓના કહેવા મુજબ સાડાત્રણ મુહૂર્તમાંના એક મુહર્તમાં રાજ્યમાં સરાફા બજારમાં 350થી 400 કરોડની ખરીદી થતી હોય છે. આ વખતે જોકે મુંબઈમાં જ સવારના 8.00 વાગ્યાથી લોકોએ ધૂમ ખરીદી કરી હતી. રાતના 10.00 વાગ્યા સુધીમાં તો મુંબઈમાં લગભગ 400 કરોડ રૂપિયા સુધીની ખરીદી પહોંચી ગઈ હતી.
દશેરાના શુભ મુહૂર્તે લોકોએ સોનાની ગિની કરતાં દાગીના પર વધુ પસંદગી ઉતારી હતી. લગભગ 30 ટકા સોનાની ગિનીની ખરીદી થઈ હતી, તો સોનાની ચેઇન, બંગડી, નૅક્લેસ, હાર, ઝૂમખાં જેવા દાગીનાની ખરીદીનું પ્રમાણ 70 ટકાની આસપાસ રહ્યું હતું.