ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ લૉકર સંદર્ભે એના નિયમમાં ફેરફાર કર્યો છે. એ મુજબ હવેથી બૅન્કના લૉકરમાં રહેલી વસ્તુના નુકસાન સામે લૉકરના વાર્ષિક રેન્ટના 100 ગણું જ નુકસાનની ભરપાઈ બૅન્ક કરશે.
સાદા શબ્દોમાં કહીએ તો તમારા લૉકરનું ઍન્યુલ રેન્ટ 1,000 રૂપિયા છે. એની સામે લૉકરમાં રહેલા સામાનને નુકસાન થયું તો બૅન્ક રેન્ટના 100 ગણું એટલે કે માત્ર 1,00,000 રૂપિયાની જ નુકસાની ભરપાઈ કરશે. પછી ભલે તમામ લૉકરમાં એક કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના કેમ ના હોય.
RBIના આ નિયમથી બૅન્કની લાયબિલિટી ઘટી જશે, તો ગ્રાહકોને સરવાળે નુકસાન જ થવાનું છે. બુધવારે RBIએ ભાડા પર લેવામાં આવતા લૉકર માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન બહાર પાડી હતી. એ મુજબ આગ, ચોરી, લૂંટ,બિલ્ડિંગ તૂટી પડવાની દુર્ઘટના અથવા બૅન્કના કર્મચારી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી જેવા બનાવમાં બૅન્ક પોતાના ગ્રાહકોને લૉકરના ઍન્યુલ રેટની 100 ગણી જ નુકસાની ભરપાઈ કરશે. રિવાઇઝ્ડ ગાઇડલાઇન પહેલી જાન્યુઆરી, 2022થી અમલમાં આવવાની છે. બૅન્કે હવેથી એના લૉકર ભાડા પર આપતાં પહેલાં લૉકરના એગ્રીમેન્ટમાં આ કલમનો ઉમેરો કરવો પડશે. આ નિયમ લૉકર ભાડા પર લીધેલા જૂના ગ્રાહકોની સાથે નવા ગ્રાહકોને પણ લાગુ પડશે.
RBIની ગાઇડલાઇન મુજબ કુદરતી આફત જેવી કે ધરતીકંપ, પૂર, વીજળી પડવાથી થનારા નુકસાન સહિત કે ગ્રાહકોની બેદરકારીને કારણે લૉકરને અને લૉકરમાં રહેલી વસ્તુઓના નુકસાન માટે પણ બૅન્ક જવાબદાર નહીં હોય.
તહેવારોમાં તેલના ભાવ આવશે નિયંત્રણમાં : કેન્દ્ર સરકારે લીધું આ પગલું; જાણો વિગત