ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસને કારણે ગંભીર ત્રીજી લહેરના અહેવાલો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે હવે રાજ્યમાં પ્રતિબંધો હળવા થઈ શકશે નહિ. હવે પૉઝિટિવિટી રેટ ઘટે તો પણ ત્રીજા તબક્કાથી નીચેના તબક્કાના નિયમો જિલ્લામાં લાગુ કરાશે નહિ. એથી હવે વેપારીઓ માટે હાલાકી વધી છે. મુંબઈના વેપારીઓને આશા હતી કે ટૂંક સમયમાં વધુ છૂટછટ મળશે, પરંતુ સરકારે બહાર પડેલા આજના આદેશ મુજબ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ અંગે ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિએશન (FRTWA)ના પ્રેસિડેન્ટ વિરેન શાહે એક પરિપત્ર દ્વારા કહ્યું છે કે “મહારાષ્ટ્ર સરકારે નવા ડેલ્ટા વેરિયન્ટ અને ભારત સરકારની ત્રીજી લહેર અંગેની ચેતવણીને આધારે આ કૉલ લઈ રહી છે. આનાથી ધંધામાં ખૂબ જ ખરાબ અવરોધ ઊભો થશે અને ઇ-કૉમર્સને ફાયદો થશે.”
ઉલ્લેખનીય છે કે તેમણે એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે આવા નિર્ણયને કારણે મહારાષ્ટ્રના વ્યવસાયો પર ખરાબ અસર પડશે, કારણ કે ઓવરહેડ ખર્ચ, જાળવણી ખર્ચ, પગાર, ભાડું ભરી શકાશે નહિ, એથી ઘણા વેપારીઓ ખર્ચ બચાવવા માટે પોતાનો ધંધો બંધ રાખશે.