ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
સોમવારે મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ પ્રતિબંધોને હળવા કરતાં રાજ્યના મોટા ભાગના વેપારીઓને રાહત થઈ હતી. જોકે પુણે, સતારા, સાંગલી સહિત કોલ્હાપુર જેવાં શહેરોને કોઈ રાહત આપવામાં આવી નથી. એથી કોલ્હાપુરનો વેપારી વર્ગ પણ ભારે નારાજ થયો છે. પુણે બાદ હવે કોલ્હાપુરના વેપારીઓએ પણ આંદોલનના માર્ગે જવાનો નિર્ણય લીધો છે. કોલ્હાપુરના વેપારીઓએ સરકારને દુકાનો ખોલવાનો સમય વધારી નહીં આપ્યો તો આંદોલન કરવાની ચીમકી આપી છે.
વેસ્ટર્ન ચેમ્બર ઑફ કૉમર્સ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરલ (વેસમેક)ના પ્રેસિડન્ટ અને કોલ્હાપુરના રાજારામપુરી વેપારી ઍસોસિયેશનના પ્રેસિડન્ટ લલિત ગાંધીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પડેલા આર્થિક ફટકાથી હજી બહાર નીકળ્યા નહોતા એમાં અતિવૃષ્ટિ અને વિનાશકારી પૂરે કોલ્હાપુરના વેપારી આલમને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખ્યો છે. હજી પંચનામાં જેવાં કામ પણ પૂરાં નથી થયાં. એથી પૂરમાં નુકસાનીનો ભોગ બનેલા વેપારીઓને રાહત ક્યારે મળશે એ ખબર નથી. જોકે સરકારે રાજ્યમાં નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરી હતી ત્યારે કોલ્હાપુરને પણ નિયંત્રણમાં રાહત મળશે એવી વેપારીઓને આશા હતી, પરંતુ સરકારના ભેદભાવભર્યા વલણને પગલે વેપારીઓને નિરાશ થવાનો વખત આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારથી નારાજ પુણેના વેપારીઓ આજથી કરશે આ કામ; જાણો વિગત
આંદોલન સિવાય કોઈ પર્યાય બચતો નથી એવું બોલતાં લલિત ગાંધીએ જણાવ્યું હતું કે સાંગલીની મુલાકાત દરિમયાન મુખ્ય પ્રધાને દુકાન ખોલવાનો સમય વધારી આપવાનું વચન આપ્યું હતું. સમય વધારી આપવા માટે સરકારે પણ અમુક બાબતનો અભ્યાસ કર્યો હશે. કોરોના બાદ પૂરે વેપારીઓને બરબાદ કરી નાખ્યા છે, ત્યારે ઍટલિસ્ટ પૂરગ્રસ્ત કોલ્હાપુર, સાંગલી, સતારા, રાયગઢ, રત્નાગિરિ જિલ્લાનો તેમણે વિચાર કરીને દુકાનો ખોલવાનો સમય વધારી આપવો જોઈતો હતો. સરકારને અમે સતત વિનંતી કરી રહ્યા છીએ તેમ જ અમારી માગણી સાથેનું મેમોરેન્ડમ આપ્યું છે. છતાં સરકારે કોઈ નિર્ણય નહીં લીધો તો પુણેના વેપારીઓની માફક અમારી પાસે પણ આંદોલન સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. સરકારના નિયમોનું પાલન કરવામાં વેપારીઓ માને છે. એથી સરકાર અમારી વિનંતીને માન્ય કરશે એવી અમારી આશા છે.