ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
પાછલાં ઘણા સમયથી અનિલ અંબાણીનું દેવું વધતું જતું હોવાના જ સમાચાર આવતા હતા. એવા સમયે તેમની એક કંપનીએ નફો નોધાવ્યાના સમાચાર આવ્યાં છે. સંખ્યાબંધ કોર્ટ કેસ અને આર્થિક સંકડામણ વચ્ચે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરે ચોખ્ખો નફો બમણો કર્યો હોવાનું જાહેર થયું છે. જુલાઇથી સપ્ટેંબરના પૂરા થયેલા ત્રણ મહિનામાં આ કંપનીનો નફો બમણો થયો હતો. કંપનીએ ગુરૂવારે શૅરબજારમાં આ વિગતો જાહેર કરી હતી.
છેલ્લા ત્રણ માસમાં કંપનીનો ચોખ્ખો નફો બમણો થઇને 105 કરોડ 67 લાખ રૂપિયા થયો હતો. ગયા વરસે આ જ સમયગાળામાં કંપનીનો નફો 45.06 કરોડનો હતો.
સપ્ટેંબરમાં કંપનીની આવક રૂપિયા 2626.49 કરોડની રહી હતી. ગયા વરસે આ જ સમયગાળામાં કંપનીની આવક 2239.10 કરોડની રહી હતી.
આમ તો હાલ કંપની પર ભારે દેવું છે. કંપનીએ એવો દાવો કર્યો હતો કે ગેસ આધારિત વીજ ઉત્પાદન કરતાં યંત્રો યોગ્ય સમયગાળામાં વેચીને એના દ્વારા મૂડી ઊભી કરાશે. કંપની પોતાના કેટલાક સબ્સિડિયરી એસેટ્સ પણ વેચી દેશે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે કોરોનાના પગલે લૉકડાઉન થતાં પાટનગર નવી દિલ્હીમાં વીજળીની માગ ઘટી ગઇ હતી. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ અને કન્ઝ્યુમર સેગમેન્ટમાં વીજળીની માગ ઓછી થઇ ગઇ હતી. લૉકડાઉન હટી ગયા પછી વીજળીની માગ નોર્મલ થઇ ગઇ છે.
