ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
ફેબ્રુઆરી મહિનો ખતમ થવાના આરે છે, જો તમે આવતા મહિને એટલે કે માર્ચ મહીના (માર્ચ) માટે બેંક સાથે સંબંધિત કોઈ પણ કામ સ્થગિત કરી દીધું હોય તો એ પહેલાં એક વાર તમે કેલેન્ડર પર એક નજર નાખી લો. કારણ કે કદાચ તમે જે દિવસે બેંકમાં જવાનું વિચારી રહ્યાં છો તે દિવસે બેંક પર તાળું લાગેલું જોવા મળી શકે છે. તેથી, પહેલેથી જ એ જાણી લેવું ખાસ જરૂરી રહેશે કે માર્ચના કયા દિવસોમાં બેંકો બંધ રહેશે.
રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા કેલેન્ડર મુજબ માર્ચમાં હોળી અને મહાશિવરાત્રિ સહિત કુલ 11 દિવસ સુધી બેંકો બંધ રહેશે. આ પૈકી, બેંકોમાં 5 માર્ચ, 11 માર્ચ, 22 માર્ચ, 29 માર્ચ અને 30 માર્ચે રજા પર રહેશે. આ સિવાય 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંકો બંધ રહેશે. એટલે કે, કુલ 11 દિવસો સુધી બેંકોમાં કોઈ પણ જાતનું કામકાજ થશે નહીં. જોકે રિઝર્વ બેન્કનું કહેવું છે કે, 'રાજ્યોમાં બેંકની રજાઓ અલગ-અલગ હોઇ શકે છે. જેથી, બધા ગ્રાહકોએ તેને ધ્યાનમાં રાખીને બેંકિંગ સંબંધિત પોતાના કામનો પ્લાન નક્કી કરે.
5 માર્ચ, 2021: આર્કેડ બીટની ઉજવણી માટે મિઝોરમમાં રજા.
11 માર્ચ 2021: મહાશિવરાત્રિ.
22 માર્ચ 2021: બિહાર દિવસ.
29 અને 30 માર્ચ 2021: હોળીની રજા.
આ રજાઓ ઉપરાંત, બેંક કર્મચારીઓની 9 સંસ્થાઓ (UFBU) ના સાર્વજનિક ક્ષેત્રની બે બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં 15 માર્ચથી બે દિવસીય હડતાલની જાહેરાત કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી. તેના વિરોધમાં બેંકિંગ યુનિયનોએ હડતાલ કરવા જણાવ્યું છે.
