ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
જો તમારું પણ ખાતું દેશની સરકારી કે ગ્રામીણ બેંકમાં છે તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે આ બેંકોમાં આગામી 5 દિવસ સુધી કામકાજ નહીં થાય એટલે કે બેંક બંધ રહેશે. તેનું કારણ સાપ્તાહિક રજા, શિવરાત્રિ અને હડતાલ છે. તો આપ આજે જ રોકડની વ્યવસ્થા કરી લો. આ ઉપરાંત જો આપને બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી લો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હકીકતમાં, રાષ્ટ્રકૃત બેંકોના ખાનગીકરણ કરવાના સરકારના નિણર્ય સામે વિરોધમાં વિવિધ બેન્કિંગ એસસોશિયેશન સાથે સંકળાયેલા બેન્ક કર્મચારીઓએ 15 અને 16 માર્ચે હડતાલની ઘોષણા કરી છે. બેંક કર્મચારીઓની આ હડતાલ ગ્રાહકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે આવતીકાલથી છ દિવસની ગણતરી કરવામાં આવે તો પાંચ દિવસો બેંક બંધ રહેનાર છે. એટલે વેપાર ઉદ્યોગ સહીતનાં તમામ વર્ગોનાં બેંકીંગ નાણા વ્યવહારોને વ્યાપક અસર થવાની સંભાવના છે.
આવતીકાલે મહાશિવરાત્રી ના તહેવાર નિમિત્તે જાહેર રજામાં બેંકો બંધ રહેવાની છે. શુક્રવારે બેંકો સામાન્ય રીતે ખુલશે પરંતુ શનિ-રવિ ફરી અઠવાડીક રજા આવશે. ત્યારબાદ ખાનગીકરણની નીતિના વિરોધમાં બેંક કર્મચારી યુનિયન દ્વારા બે દિવસની દેશવ્યાપી બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. એટલે સોમ-મંગળ બેંકો બંધ રહેશે.
