ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
28 ઓક્ટોબર 2020
ભારતીય રિઝર્વ બેન્ક(આરબીઆઇ)એ તમામ જાહેર-ખાનગી બેન્કો, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ સહિત તમામ ધિરાણ સંસ્થાઓને 5 નવેમ્બર સુધીમાં 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજમુક્તિની યોજનાનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ માર્ચ, 2020થી ઓગસ્ટ, 2020 સુધી એટલે કે છ મહિના સુધી વ્યાજ પર વ્યાજ માફ કરવામાં આવશે.
આરબીઆઇએ એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે ધિરાણ કરતી તમામ સંસ્થાઓને સ્કીમની જોગવાઇઓનો નિર્ધારત સમયસીમામાં અમલ કરવાનો આદેશ આપવામાં આવે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આરબીઆઇએ બેંકો સહિતની તમામ ધિરાણ સંસ્થાઓને વ્યાજ પરનું વ્યાજ માફ કરવાની સ્કીમનો લાભ ગ્રાહકોને પાંચ નવેમ્બર સુધીમાં આપી દેવાની સૂચના આપી છે. વ્યાજમુક્તિની સ્કીમ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નાણા મંત્રાલયે 23 ઓક્ટોબરે કાર્યકારી દિશાનિર્દેશ જારી કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે સરકારે ગત 23 ઓગસ્ટના રોજ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની રકમની ચુકવણી કરવાની જાહેરાત કરી હતી. આ સ્કીમ હેઠળ એમએસએમઇ લોન, ઍજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડયુરેબલ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, ઓટોમોબાઈલ લોન, વ્યાવસાયિકોને અપાયેલી વ્યક્તિગત લોન અને કન્ઝમ્પશન લોનને આવરી લેવામાં આવી છે. સરકારની આ સ્કીમનો લાભ મોરેટોરિયમનો લાભ ન લેનારાઓને મળશે એટલે કે જે લોનધારકોએ માર્ચ, 2020થી ઓગસ્ટ, 2020 દરમિયાન સમયસર હપ્તા ભર્યા છે તેમને પણ આ સ્કીમનો લાભ મળશે.
નોંધનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ લોનધારકોને છ મહિના માટે લોનના હપ્તા ન ભરવાની રાહત આપી હતી.