ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
દિવાળી આવે એટલે નાસ્તામાં સૌથી પહેલી યાદ મઠીયા અને ચોળાફળીની આવે. તેમાં પણ ઉત્તરસડાનાં પાપડ-મઠિયાં-ચોળાફળીની દેશમાં તો ઠીક અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભારે માંગ છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે વેપાર ઠપ થતાં હાલ વેપારીઓ 5થી 10 રૂપિયાના નફે લોકલ માર્કેટમાં સામાન વેચી રહયાં છે. દિવાળીના સમયમાં ગુજરાતના ચરોતરમાં આવેલું ઉત્તરસડા ગામ ગૃહ ઉદ્યોગના વેપારને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. આ ગામ વિશે એવું પણ કહેવાય છે કે અહીંના લોકોની કમાણી રૂપિયામાં નહીં, પરંતુ ડોલરમાં થાય છે.
આ વિષય પર ઉત્તરસડાના પાપડ-મઠિયાંના વેપારીઓનું કહેવું છે કે "કોરોના મહામારીને પગલે સૌથી પહેલા તો ટ્રાન્સપોર્ટ બંધ થવાથી નિકાસ બંધ થઈ ગઈ છે. અડદદાળ, મગદાળ તેમજ તુવેરદાળના ભાવમાં સતત વધારો થયો છે. દિવાળીના 15 દિવસ દરમ્યાન અમારો આખા વરસના વેપારનો 70 થી 90 ટન જેટલો માલ પહેલાં વેચાઈ જતો હોય હતો. જે આ વર્ષે થયો નથી. આ ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયાંના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં ઘણી ફેક્ટરી-કારખાનાં અંદાજે 90થી 100 લોકો કામ કરે છે. પરંતુ માર્ચ મહિનાથી કોરોનાને પગલે ઉત્પાદકોએ સ્ટાફ અડધો કરવો પડ્યો છે."
ગુજરાતના આણંદ-નડિયાદ પાસે ઉત્તરસડા ગામ આવેલું છે. ગામની વસ્તી આશરે 20 થી 25 હજાર છે. ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ અહીં બનતાં પાપડ, મઠિયાં અને ચોળાફળી છે. મઠીયા ચોળાફળીના અસ્સલ સ્વાદનું કારણ લોટમાં વપરાતું અહીંની નદીના પાણીને માનવામાં આવે છે.. આથી જ બીજા બધા કરતા આ ગામના નાસ્તાઓ સ્વાદિષ્ટ હોવાનુ મનાય છે.