ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
આર્થિક અડચણનો સામનો કરી રહેલી પોતાની કંપનીને ડૂબતી બચાવવા માટે અગ્રણી ઉદ્યોગપતિ કુમાર મંગલમ્ બિરલાએ કંપનીમાં તેમનો હિસ્સો સરકારને સોંપી દેવાની રીતસરની આજીજી કરી હોવાનું કહેવાય છે.
કુમાર મંગલમ્ બિરલા દેશની અગ્રણી ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા લિમિટેડ (VIL)માં 27 ટકાનો હિસ્સો ધરાવે છે. કંપની લાંબા સમયથી આર્થિક અડચણનો સામનો કરી રહી છે. ઉદ્યોગપતિ કુમાર મંગલમ્ બિરલા VIL કંપની પ્રમોટર અને આદિત્ય બિરલા ગ્રુપના ચૅરમૅન છે. સાત જુલાઈના તેમણે કેન્દ્રના કૅબિનેટ સચિવ રાજીવ ગૌબાને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે સરકારને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે પગલાં લેવાની માગણી કરી હતી. VIL સાથે 27 કરોડથી વધુ ગ્રાહકો સંકળાયેલા છે. એથી કંપની ચાલુ રહે એ માટે તેમણે સરકારને કંપનીનો તેમનો હિસ્સો આપવાની તૈયારી પણ બતાવી હતી. સરકાર અખત્યાર હેઠળની જાહેર કંપની, સરકારી કંપની અથવા સ્થાનિક નાણાં સંસ્થા અથવા સરકાર જે કંપની નક્કી કરે તેમને સોંપવા તેઓ તૈયાર હોવાનું પણ તેમણે પત્રમાં લખ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે VIL પર લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. એમાં મુલતવી રહેલા સ્પેક્ટ્રમની જવાબદારી અને ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવેન્યુની બાકી રહેલી ચુકવણીનો સમાવેશ થાય છે. કંપનીના બોર્ડે ગયા વર્ષે 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી, પણ સરકારની મદદ ન મળતાં રોકાણકારો આગળ આવતાં ડરી રહ્યા છે.