ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
બોરીવલી (પૂર્વ)માં રેલવે સ્ટેશનથી ઓમકારેશ્વર મંદિર વચ્ચેના દોઢ કિલોમીટરના સ્કાયવૉક સામે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોના વિરોધ બાદ કામ અટકાવી દેવામાં આવ્યું છે. 70 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનારા આ સ્કાયવૉકનો પ્રસ્તાવ પાલિકાની સ્થાયી સમિતિમાં મંજૂર થઈ ગયો હતો. સ્કાયવૉકને લઈને પાલિકાની સત્તાધારી શિવસેના અને ભાજપ સામસામે થઈ ગયાં હતાં.
સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ આ સ્કાયવૉક સામે મોટા પાયા પર વિરોધ કર્યો હતો. તેથી ઉપનગરના પાલકપ્રધાન આદિત્ય ઠાકરેએ સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. સ્કાયવૉકને લઈને પાલિકાના ઝોન સાતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાગ્યશ્રી કાપસે અને શિવસેનાના નેતા સહિત સ્થાનિક નગરસેવક, પાલિકાના અધિકારીઓની બેઠક થઈ હતી. એમાં શિવસેના અને ભાજપ બંને દ્વારા સ્કાયવૉકને લઈને રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા આ સ્કાયવૉક સામે સતત વિરોધ થઈ રહ્યો હતો. તેમના કહેવા મુજબ સ્કાયવૉકના નીચેનો રસ્તો નીચાણવાળો છે. રેલવે સ્ટેશનના પરિસરમાં રિક્ષા-સ્ટૅન્ડ અને બસ-સ્ટૉપ છે. પાછું રસ્તો પણ સાંકડો છે, એવામાં એક બસ આવે ત્યારે બીજી બસ જઈ શકતી નથી. રસ્તા પર ટ્રાફિક પણ મોટા પ્રમાણમાં હોય છે. બહારગામની ટ્રેનો પણ બોરીવલી થોભતી હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. બસ-સ્ટૉપ, રિક્ષા-સ્ટૅન્ડને કારણે પહેલાંથી રસ્તા પર ટ્રાફિક હોય છે. એમાં પાછું સ્કાયવૉક બાંધવાથી રસ્તો હજી સાંકડો થઈ જશે એવી દલીલને શિવસેનાએ પણ સમર્થન આપ્યું હતું. શિવસેનાએ એવી પણ ફરિયાદ કરી હતી કે પાલિકાના અગાઉના પ્લાન અને વાસ્તવિક કામમાં ઘણો તફાવત છે.
હોલમાર્કિંગ મુદ્દે કકળાટ વધ્યો. હવે આ તારીખે બંધનું એલાન
શિવસેના અને સ્થાનિક નાગરિકોના વિરોધ વચ્ચે ભાજપે જોકે આ સ્કાયવૉકને કારણે બોરીવલી સ્ટેશનની બહાર તેમ જ કસ્તુરબા રોડ પર રહેલા ફેરિયાઓ અને ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને રાહત મળશે એવી દલીલ કરી હતી. સ્કાયવૉક બોરીવલી સ્ટેશનથી સ્ટેટ બૅન્ક કૉલોની પાસેના પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશનને કનેક્ટેડ બની રહેશે. તેમ જ કાજુપાડા, શાંતિવન (પૂર્વ), શ્રીકૃષ્ણનગર, દેવીપાડા અને કુલુપવાડીના નાગરિકોને પણ સ્કાયવૉકને કારણે રાહત થશે એવો દાવો કર્યો હતો.