News Continuous Bureau | Mumbai
એક તરફ પહેલાથી ખાદ્ય પદાર્થ પર જીએસટી લાગુ કરવાને કારણે મોંધવારીનો માર સામાન્ય નાગરિકોને પડ્યો છે. હવે તેમાં આગામી દિવસોમાં બ્રેડ, બિસ્કીટ જેવી વસ્તુઓ પણ હજી મોંઘી થવાની શક્યતા છે. છેલ્લા છ સપ્તાહમાં ઘઉંના ભાવમાં 14 ટકાનો વધારો થયો છે. ઘઉંના ભાવ વધારાને કારણે લોટ, સોજી, બિસ્કિટ અને બ્રેડ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની સંભાવના છે.
ઘઉંના ભાવ વધવાને કારણે ખેડૂતોને તો રાહત થવાની છે, તેમને તેમના ઉત્પાદન માટે વધારે ભાવ મળશે પણ ઘઉંના ભાવ વધવાને કારણે તેના સાથે જોડાયેલા ખાદ્ય પદાર્થના ભાવ વધશે અને મોંઘવારી હજુ વધી શકે છે.
ચોમાસાને કારણે પુરવઠામાં ઘટાડો અને મિલિંગની માંગમાં વધારો થવાને કારણે છેલ્લા છ સપ્તાહમાં ઘઉંના ભાવમાં 14 ટકાનો વધારો થયો છે. પરિણામે, લોટ, સોજી, બિસ્કિટ અને બ્રેડ જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે છે એવું બજારના વેપારીઓનું કહેવું છે.
આ સમાચાર પણ વાંચો : રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાની મળી કમાન- આટલા સાસંદોના મત સાથે બન્યા દેશના 8માં રાષ્ટ્રપતિ-જાણો વિગતે
બજાર નિષ્ણાતોના મુજબ નાના વેપારીઓ અને ખેડૂતોએ તેમના ઘઉંનો સ્ટોક વેચી દીધો છે, જ્યારે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને મોટા વેપારીઓ વધુ ભાવ વધારાની અપેક્ષાએ સ્ટોક ધરાવે છે.
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલમાં રોલર ફ્લોર મિલર્સ એસોસિએશનના પદાધિકારીના જણાવ્યા મુજબ હાલમાં ઘઉંના ભાવ દરરોજ વધી રહ્યા છે, જેની સરખામણીમાં ઘઉંની ઉપલબ્ધતા પણ ઘણી ઓછી છે. ઉત્તર ભારતમાં વિતરિત ઘઉંની કિંમત જૂનમાં 2,260-2,270 પ્રતિ ક્વિન્ટલની નીચી સપાટીથી વધીને 2,300-2,350 થઈ ગઈ છે. તેથી મોટા વેપારીઓને તેનો ફાયદો મળી રહ્યો છે.
રશિયા અને યુક્રેન વૈશ્વિક ઘઉંના ઉત્પાદનમાં 29 ટકા અને મકાઈના ઉત્પાદનમાં 19 ટકા હિસ્સો ધરાવે છે. આ બંને દેશો સૂર્યમુખી તેલની નિકાસમાં 80 ટકા હિસ્સો ધરાવે છે. જવ ઉત્પાદનમાં રશિયા વિશ્વમાં બીજા ક્રમે અને યુક્રેન ચોથા ક્રમે છે. એકંદરે, વૈશ્વિક કૃષિ ક્ષેત્રમાં રશિયા અને યુક્રેનનો મોટો ફાળો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ખાદ્ય પુરવઠા પર પડી છે. પરિણામે ઘઉંના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.