ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
બ્રિટનની જાયન્ટ કંપની કેર્ન એનર્જી અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલતો કાયદાકીય વિવાદ આખરે નજીકના સમયમાં પૂરો થશે. બ્રિટિશ કંપની કેર્ન એનર્જીએ ફ્રાન્સથી લઈને અમેરિકા સુધી ભારતીય સંપત્તિઓ જપ્ત કરવાના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ભારતે કેર્નની એક અબજ ડૉલરની રકમ પાછી આપવાની દરખાસ્ત માની લીધી છે. કેર્નના જણાવ્યા મુજબ તે એક અબજ ડૉલરનું રિફંડ મળ્યાના 1-2 દિવસમાં જ ફ્રાન્સથી લઈને અમેરિકામાં ભારતીય સંપત્તિઓ જપ્ત કરવા માટે કરેલા કેસોને પાછા ખેંચવાની કાર્યવાહી શરૂ કરી દેશે.
ઉલ્લેખનીય છે કે કેર્ન એનર્જી અને ભારત સરકાર વચ્ચેના વિવાદનું મૂળ 15 વર્ષ જૂનું છે. વર્ષ 2006-07માં કેર્ન યુકેએ કેર્ન ઇન્ડિયા હોલ્ડિંગના તેના શૅર ભારતીય પેટાકંપની કેર્ન ઇન્ડિયાને ટ્રાન્સફર કર્યા હતા. પરિણામે આવકવેરા વિભાગે કેર્ન એનર્જી પાસેથી કૅપિટલ ગેઈન ટૅક્સ વસૂલવાનો નિર્ણય કર્યો હતો, જે ચૂકવવા કંપનીએ ઇનકાર કરી દીધો હતો.
પુનઃવિવાહ બાદ પણ વિધવાને પતિની સંપત્તિમાં અધિકાર : હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો; જાણો વિગત
આપને જણાવી દઈએ કે યુપીએ સરકાર કેર્ન અને વોડાફોન જેવી કંપનીઓ પાસેથી પાછલી અસરથી ટૅક્સની વસૂલાત માટે વર્ષ 2014માં રેટ્રોસ્પેક્ટિવ ટૅક્સ કાયદો લાવી હતી. આ કાયદા હેઠળ યુપીએ સરકારે કેર્ન પાસેથી ટૅક્સ અને દંડની વસૂલાત માટે જાન્યુઆરી 2014માં કેર્નની શૅર્સ સહિતની રૂપિયા 7,900 કરોડ (અંદાજે 1.06 અબજ ડૉલર)ની સંપત્તિ જપ્ત કરી હતી..
યુપીએ સરકારમાં અમલી બનેલા રેટ્રોસ્પેક્ટિવ ટૅક્સ કાયદાથી રોકાણ સ્થળ તરીકે વૈશ્વિક સ્તરે ભારતની ખરડાયેલી પ્રતિષ્ઠા સુધારવા અને કેર્ન એનર્જી તથા વોડાફોન જેવી કંપનીઓ સાથે સમાધાન કરવા માટે કેન્દ્ર સરકારે ગયા મહિને ચોમાસુ સત્રમાં રેટ્રોસ્પેક્ટિવ ટૅક્સ કાયદો રદ કર્યો હતો. આ કાયદો રદ થવાને પરિણામે ભારત સરકાર અને કેર્ન એનર્જી વચ્ચે કાયદાકીય વિવાદનો અંત શક્ય બન્યો છે.