ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
દેશના વેપારીઓને મોટો આર્થિક ફટકો આપનાર કોવિડ મહામારી વચ્ચે આજે કેન્દ્રીય બજેટમાં સરકાર શું જાહેરાત કરે છે, તેના પર મુંબઈ સહિત દેશભરના વેપારીઓની નજર છે. બજેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ને સરળ અને તર્કસંગત બનાવવા અને તેલ અને તેલીબિયાં પરના GSTને દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરવામાં આવે એવી વેપારીઓની અપેક્ષા હોવાનું ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ શ્રી શંકર ઠક્કરે કહ્યું હતું.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલિઝમાં કહેવા મુજબ તેલ અને તેલીબિયાં પરનો GST હટાવીને તેમ જ GST કાયદો ફરીથી બનાવવાની માંગ કરવામાં આવી છે. વ્યવસાય પરના તમામ પ્રકારના લાયસન્સની જગ્યાએ એક લાઇસન્સ, એક નિયમનકારી સત્તાની જોગવાઈ સાથે ઈ-કોમર્સ નીતિનો રોલ આઉટ, છૂટક વેપાર માટે એક રાષ્ટ્રીય નીતિ, છૂટક વેપારને સંચાલિત કરતા તમામ પ્રકારના કાયદા અને નિયમોની સમીક્ષા, વેપારીઓ પેન્શન યોજનાનું પુનર્ગઠન અને વેપારીઓને વીમાની જોગવાઈ અને TCS અને TDSની જોગવાઈઓ દૂર કરવાની માગણી પર ધ્યાન આપવામાં આવે છે કે નહીં તેના પર નજર છે. કોવિડ સમયગાળા દરમિયાન દુકાનો સતત બંધ રાખવાથી વેપારીઓને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરવામાં આવી છે.