ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર.
કોવિડ મહામારી દેશના વેપારીઓને મોટો આર્થિક ફટકો આપનારી સાબિત થઈ હતી ત્યારે આગામી કેન્દ્રીય બજેટ દેશભરના ઉદ્યોગધંધા માટે ગેમ ચેન્જર સાબિત થાય એવી વેપારીઓ આશા રાખી રહ્યા છે. આ બજેટ દેશના વેપારીઓ માટે આર્થિક પેકેજ, ટેક્સમાં રાહત, ટેક્સ સિસ્ટમને સુવ્યવસ્થિત કરવાની દિશામાં કોઈ જાહેરાત કરશે એવી આશા દેશભરની સેંકડો વેપારી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ વ્યકત કરી છે. બજેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અને આવકવેરાને સરળ અને તર્કસંગત બનાવવા માટે કોઈ મહત્વપૂર્ણ પગલાં લેશે અથવા ભારતના ઈ-કોમર્સ વ્યવસાયને સુવ્યવસ્થિત કરવા માટે કોઈ પગલાંની જાહેરાત કરશે એવી અપેક્ષા પણ દેશભરના વેપારીઓ રાખી રહ્યા હોવાનું CAIT બહાર પાડેલી પ્રેસ રિલીઝ માં કહ્યું હતું.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT )ના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ અને ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, દેશના આઠ કરોડથી વધુ વેપારીઓને બજેટ પાસેથી મોટી અપેક્ષાઓ છે. જોકે છેલ્લા 75 વર્ષોમાં વેપારીઓની બજેટમાં જે રીતે તીવ્ર ઉપેક્ષા કરવામાં આવી છે, તેને જોતાં વેપારીઓને બજેટમાં કોઈ ફાયદો થાય એવું જણાતું તો નથી. પરંતુ આ બજેટમાં નાના ઉદ્યોગોને સરકાર ટોચની પ્રાથમિકતામાં રાખે છે કે નહીં તે જોવાનું રહેશે.
જાગો ગ્રાહક જાગોઃ નકલી સામાન વેચનાર આ ઓનલાઇન શોપિંગ વેબસાઈટ સામે ગ્રાહકે જ નોંધાવી FIR; જાણો વિગત
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે CAIT દ્વારા અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને આપેલા બજેટ મેમોરેન્ડમમાં આવકવેરા કાયદાનું પુનર્ગઠન, ભાગીદારી કંપનીઓ અને LLP કંપનીઓને કોર્પોરેટ ક્ષેત્રની સમાન રાખવા, આવકવેરાના દરોમાં છૂટછાટ, આવકવેરામાં ઘરેથી કામ કરતા લોકો માટે ખાસ છૂટછાટ તેમ જ GST કાયદો ફરીથી બનાવવાની માંગણી કરવામાં આવી છે. તેમ જ વેપાર પરના તમામ પ્રકારના લાઇસન્સ ની જગ્યાએ એક લાઇસન્સ, એક નિયમનકારી સત્તાની જોગવાઈ સાથે ઈ-કોમર્સ નીતિનો રોલ આઉટ, રીટેલ વેપાર માટે એક રાષ્ટ્રીય નીતિ, છૂટક વેપારને સંચાલિત કરતા તમામ પ્રકારના કાયદા અને નિયમોની સમીક્ષા, વેપારીઓ પેન્શન યોજનાનું પુનર્ગઠન, વેપારીઓને વીમાની જોગવાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને પરિપૂર્ણ કરવા માટે ભારતના હાલના રિટેલ બિઝનેસના અપગ્રેડેશન, આધુનિકીકરણ અને કોમ્પ્યુટરાઈઝેશન માટે વિશેષ ડિસ્કાઉન્ટ અને છૂટછાટો પર જોર આપવાની માગણી પણ CAIT દ્વારા કરવામાં આવી છે.
CAITના પદાધિકારીના કહેવા મુજબ વર્તમાન આવકવેરા કાયદાએ તેની ડાયમંડ જ્યુબિલી પૂર્ણ કરી છે. આ છેલ્લા છ દાયકામાં ઘણા ફેરફારો-સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેથી, કાયદાએ તેનું મૂળભૂત માળખું ગુમાવ્યું છે. બિઝનેસનું વાતાવરણ, સરકારની અપેક્ષાઓ, બિઝનેસ વર્કિંગ મોડ્યુલ, ફિઝિકલથી લઈને ડિજિટલ અને બધું જ ઘણું બદલાઈ ગયું છે. આમ વર્તમાન આવકવેરા કાયદાએ તેનું મહત્વ અને સુસંગતતા ગુમાવી દીધી છે અને તેથી આવકવેરા કાયદાની પુનઃ રચના કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાતને બજેટનો એક ભાગ બનાવવો જોઈએ, જ્યારે બજેટમાં વેપારીઓને ટેક્સ કલેક્ટરનો દરજ્જો આપવામાં આવવો જોઈએ, તેથી વેપારીઓને પ્રોત્સાહન મળશે.