News Continuous Bureau | Mumbai
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર રાજ્યના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે ત્યારે સીંગતેલના ભાવે એ જ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. સીંગતેલના ભાવમાં સતત વધારા સામે લોકો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં બજારમાં રૂ.90નો વધારો થયો છે. 15 કિલોના ડબ્બાની કિંમત 3,050 રૂપિયા જેટલી ઉંચી જણાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જો સરકાર અંકુશ નહીં રાખે તો ભાવ 3,200 સુધી જાય તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં વધતી ગરમીથી માત્ર મનુષ્ય જ નહીં પણ પશુ-પંખીઓ પ્રભાવિત! ડિહાઇડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો આંક ચોંકાવનારો.. જાણો આંકડા..
આ વર્ષે મગફળીના સૌથી મોટા ઉત્પાદક ગુજરાતમાં લગભગ 42.64 લાખ ટન મગફળીનો બમ્પર પાક થયો છે. એટલે કે, તેમાંથી 15 કિલોના તેલના 6.65 કરોડ ડબ્બાનું ઉત્પાદન થવાનો અંદાજ છે અને આટલું વિપુલ ઉત્પાદન હોવા છતાં, વિદેશમાં મગફળીની બમ્પર નિકાસને કારણે ભાવ નિયંત્રણ બહાર છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક ફટકો પડી રહ્યો છે.
મહાસંઘના જનરલ સેક્રેટરી તરૂણ જૈને જણાવ્યું હતું કે સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને મગફળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જેથી દેશના લોકોને દેશી તેલ ખાવા મળે જે આરોગ્ય માટે ફાયદાકારક છે અને અન્ય તેલના ભાવ પણ નિયંત્રણમાં રાખી શકાય.