ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા ફોરેન ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ અને FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) નું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ બાબતે અનેક વખત ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ આ ઓનલાઈન કંપનીઓ સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. છેવટે વેપારીઓએ હવે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આ મુદ્દે ઘટતું કરવાની માગણી કરતો પત્ર વડાપ્રધાનને લખવામાં આવ્યો છે.
CAITના મહાનગરના અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી સંઘટનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે,'અમેઝોન અને ફ્લીપકાર્ટ સામે નિયમોનું ઉલ્લંઘન કરવાને લગતી સતત ફરિયાદ કરવામાં આવી છે. છતાં સંબંધિત અધિકારીઓ તેમની સામે કોઈ પગલાં લેતા નથી. આ કંપનીઓ સરકારના નાક નીચે કાયદાનું ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. આ બંને કંપનીઓ દ્વારા હાલ ચાલી રહેલા ફેસ્ટિવલ સેલમાં સરકારની એફડીઆઈ પોલીસીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જેને કારણે દેશના વેપારીઓને તો નુકસાન થઈ રહ્યું છે પણ દેશને પણ આર્થિક ફટકો પડી રહ્યો છે.'
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ વડાપ્રધાન કાયદાના ઉલ્લંઘન કરનારાઓ માટે સખત વલણ રાખે છે. તેમ જ દેશના નાના વેપારીઓ અને ઉદ્યોગજગતના વિકાસ માટે તેઓ અગ્રેસર રીતે કામ કરે છે. પરંતુ સરકારી અધિકારી વિદેશી કંપનીઓને મુદ્દે વડાપ્રધાનના નિર્ધારિત માપદંડોથી અલગ કામ કરી રહી છે. તેથી વડાપ્રધાનને પત્ર લખીને તેમને પૂરી બાબતથી વાકેફ કરવામા આવ્યા છે.