ચીનના CCTV કેમેરા પર અમેરિકા સહિત ઘણા દેશો પર પ્રતિબંધ, હવે ભારતમાં પણ ઉઠી આ માંગ, જાણો શું છે કારણ…

CAITએ વૈષ્ણવને ચાઈનીઝ CCTVના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે

by kalpana Verat
CAIT seek ban on using Chinese make CCTVs in India

અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ભારતમાં પણ ચાઈનીઝ સીસીટીવી કેમેરા પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી છે. વાસ્તવમાં, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું કહેવું છે કે ચીનની સીસીટીવી સિસ્ટમ કોઈપણ ડેટાને દેશની બહાર ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે. આ જ કારણ છે કે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર મોકલીને તેમણે દેશભરમાં ચાઈનીઝ સીસીટીવી સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT), મહારાષ્ટ્ર સ્ટેટના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, ભારતમાં ચાઈનીઝ સીસીટીવીના મોટા પાયે ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા CAIT સંગઠને રવિવારે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી ​​અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ચાઈનીઝ CCTV સિસ્ટમ્સ દેશની સુરક્ષા માટે સંભવિત ખતરો છે. CAITનું કહેવું છે કે ચીનની CCTV સિસ્ટમ કોઈપણ ડેટાને દેશની બહાર ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે. સરકારે ભૂતકાળમાં જે રીતે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, તે જ રીતે દેશમાં ચાઈનીઝ સીસીટીવીના ઉપયોગ પર પણ તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : ઓશિવારા બાદ હવે અહીં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, અનેક ઝુંપડાઓ બળીને ખાખ, જુઓ આગના વિકરાળ દ્રશ્યો

 

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે પરિપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં દેશમાં જે પણ ડેટા પ્રોટેક્શન કાયદો અથવા મોનિટરિંગ મિકેનિઝમ છે, ચીનની CCTV સિસ્ટમ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા અથવા માહિતીને વિશ્વમાં ગમે ત્યાં સરળતાથી મોકલી શકાય છે. ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) કેમેરાનો ઉપયોગ CCTV નેટવર્કમાં થતો હોવાથી અને સીસીટીવી સિસ્ટમના ઈન્ટરનેટ સંચાલિત ડિજિટલ વિડિયો રેકોર્ડિંગ (DVR) દ્વારા ડેટા ગમે ત્યાં મોકલી શકાય છે જે સુરક્ષા માટે ખતરાજનક છે.

પરિપત્રમાં શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, એવું માનવામાં આવે છે કે ભારતમાં મોટી સંખ્યામાં ચાઇનીઝ મૂળના સીસીટીવી કેમેરાનો ઉપયોગ થાય છે જે કાં તો ચીન સરકાર દ્વારા નિયંત્રિત અથવા આંશિક માલિકીના છે. વળી, ચીનના કાયદા મુજબ, દરેક વ્યક્તિ જ્યારે પણ સરકાર માંગે ત્યારે સરકારને મદદ કરવા બંધાયેલ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉથી જ યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશોએ રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચાઇનીઝ સીસીટીવીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

CAITએ સૂચન કર્યું છે કે દેશના ડેટાની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મેડ ઈન ઈન્ડિયા વિઝન હેઠળ ભારતમાં સીસીટીવીના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે સંસદ દ્વારા તરત જ ડેટા સંરક્ષણ કાયદો પસાર કરવો જોઈએ. જ્યારે એક વ્યાપક નીતિ ભારતમાં સીસીટીવીના હાલના ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સપોર્ટ પોલિસી પણ ઘડવામાં આવી છે.

 

Join Our WhatsApp Community

You may also like