ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪,સપ્ટેમ્બર 2021
મંગળવાર.
દેશના ઈ-કૉમર્સ વેપારમાં વિદેશી કંપનીઓ દ્વારા ઈ-કૉમર્સના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમ જ ભારતના ઈ-કૉમર્સ વેપાર પર કબજો જમાવાની કોશિશ કરી રહી છે. એવા દાવા સાથે વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓ વિરુદ્ધ દેશભરના વેપારીઓએ પોતાનો વિરોધ મજબૂત કરવાના છે. જે હેઠળ આવતી કાલથી એક મહિના સુધી દેશભરમાં ઈ-કૉમર્સ પર ‘હલ્લા બોલ’ રાષ્ટ્રીય આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુંબઈમાં મસ્જિદ બંદરમાં ગ્નેન ડીલર બિલ્ડિંગમાં આવતી કાલે સાંજે ૪.૩૦ વાગ્યે ધરણા કરવામાં આવવાના છે. વેપારીઓને મોટી સંખ્યામાં જોડાવા હાકલ કરવામાં આવી છે.
હાલમાં જ દિલ્હીમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. CAITના આ સમ્મેલનમાં દેશનાં 27 રાજ્યોના 100થી વધુ વેપારી નેતાઓ જોડાયા હતા.
આગામી દિવસમાં CAIT દ્વારા દેશની તમામ રાજકીય પાર્ટીઓને પત્ર લખવામાં આવવાના છે. ઈ-કૉમર્સને લઈને સંબંધિત પાર્ટી શું વિચાર ધરાવે છે એ જાણવામાં આવશે. તમામ પાર્ટી શું જવાબ આપે છે તેનો દેશના વેપારીઓ રાહ જોશે. આગામી સમયમાં અનેક વિધાનસભાની ચૂંટણી થવાની છે તથા લોકસભાની ચૂંટણી છે, તેના લઈને વેપારીઓ પોતાનો નિર્ણય લેશે.
CAITની દિલ્હીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 15 સપ્ટેમ્બરના દેશનાં અલગ અલગ રાજ્યોમાં એક હજારથી વધુ સ્થળ પર દેશભરનાં વેપાર સંગઠનો એક ધરણા પ્રદર્શનનું આયોજન કરશે. તેમ જ 23 સપ્ટેમ્બરના દરેક જિલ્લાના કલેક્ટરને વડા પ્રધાનના નામનો એક પત્ર આપવામાં આવશે. એ સિવાય 30 સપ્ટેમ્બરના દરેક રાજ્યના મુખ્ય પ્રધાન, સાંસદો અને વિધાનસભ્યોને પણ પત્ર સોંપવામાં આવશે. 10 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધી જુદાં-જુદાં રાજ્યોમાં વિદેશી કંપનીઓનાં પૂતળાંને રાવણનું સ્વરૂપ આપી તેનું દહન કરવામાં આવશે. એ સિવાય એક મહિનાના અભિયાન દરમિયાન દેશની બજારોમાં વેપારીઓ રૅલી કાઢશે અને વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓ વિરુદ્ધ પોતાનો વિરોધ દર્શાવશે.
કેટના પદાધિકારીઓના કહેવા મુજબ સરકાર દ્વારા બનાવવામાં આવેલા ઈ-કૉમર્સના નિયમ દેશી અથવા વિદેશી કંપનીઓ માટે એક સમાન લાગુ પડવા જોઈએ. જેથી કોઈ પણ કંપની ઈ-કૉમર્સ વેપાર પર પોતાનું પ્રભુત્વ ધરાવે નહીં.