ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એમેઝોન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ઈ-કોમર્સ કંપની સામે રાષ્ટ્રધ્વજનું અવમાન કરવાના પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભોપાલમાં રાષ્ટ્રધ્વજ છાપેલા બૂટ વેચવાનો બનાવ બન્યો હતો, જેની નોંધ મધ્ય પ્રદેશ સરકારે પણ લીધી હતી. આ દરમિયાન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) પણ દેશના ગૃહમંત્રી અમિત શાહને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ એમેઝોન સામે પગલાં લેવા વિનંતી કરી હતી.
એમેઝોન દ્વારા રાષ્ટ્રધ્વજના ઘોર અપમાન પર કડક વલણ અપનાવતા CAIT દ્વારા મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન, શ્રી અમિત શાહને એમેઝોન સામે આકરા પગલા લેવાની માગણી કરવામાં આવી હોવાનું કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ મહારાષ્ટ્ર ઉપાધ્ય્ક્ષ અને થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી વેલફેર મહાસંઘ અધ્યક્ષ સુરેશ ઠક્કરે જણાવ્યું હતું.
નવા વેરિએન્ટનો ભારતની અર્થવ્યવસ્થાને ફટકો, IMFએ ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં કર્યો મોટો ઘટાડો
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલિઝ મુજબ CAIT એ ઈ-કોમર્સ કંપની એમેઝોન સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે, જે તેના વેબ પોર્ટલ પર રાષ્ટ્રધ્વજ ધરાવતા વિવિધ ઉત્પાદનોનું ખુલ્લેઆમ વેચાણ કરે છે. આ સંદર્ભે મંત્રી શ્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લાને પણ પત્ર મોકલવામાં આવ્યા છે. CAIT એ વિનંતી કરી છે કે એમેઝોનના વેબ પોર્ટલ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવે અને આપણા દેશના કાયદા મુજબ એમેઝોન સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ગૃહ પ્રધાન અમિત શાહને લખવામાં આવેલા પત્રમાં, CAIT એ વિદેશી રોકાણવાળી ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા ટી-શર્ટ, મગ, કી-ચેન અને ચોકલેટ રેપર પર રાષ્ટ્રધ્વજના ઉપયોગ પર તેમનું ધ્યાન દોરવાની માંગ કરી છે. એમેઝોન દ્વારા ફ્લેગ કોડ, 2002ની કલમ 2(1)(iv)(v) નું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પણ CAIT દ્વારા કરવામાં આવી છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલીઝમાં પદાધિકારીના કહેવા મુજબ એમેઝોન એક રીઢો ગુનેગાર છે, જે કાયદાના ઉલ્લંઘનમાં, સરકાર અને સરકારી એજન્સીઓ સમક્ષ તથ્યોની ખોટી રજૂઆત, ગેરકાયદેસર સોદાઓ અને છેતરપિંડીઓમાં સંડોવાયેલ છે. તે છેતરપિંડી કરવામાં અગ્રેસર હોવાની તાજેતરમાં ભારતના કોમ્પિટિશન કમિશન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, એમેઝોનને આ કૃત્યો માટે 202 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. થોડા મહિનાઓ પહેલા જ એમેઝોન સામે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા "ગાંજા" નું વેચાણ કરવા બદલ પણ ગુનો નોંધાયો હતો.