News Continuous Bureau | Mumbai
દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનને મોટો ઝટકો લાગ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એક મોટી કાર્યવાહી કરતા કંપનીના પ્રાઇમ સેલર્સ ક્લાઉડટેલ અને અપારિયોની જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. બંને પર કાયદાનું ઉલ્લંઘન કરવાનો અને બિઝનેસમાં પારદર્શિતા નજાળવવાનો આરોપ છે. વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એ સી.સી.આઈના આ પગલાની પ્રશંસા કરી છે. સી.સી.આઈની કાર્યવાહી પર ટિપ્પણી કરતા, ટ્રેડર્સ બોડી સી.એ.આઈ.ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી, સી.એ.આઈ.ટી ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટની પ્રથાઓ સામે વાંધો ઉઠાવી રહી છે. વિવિધ અદાલતોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટની વિલંબની યુક્તિઓ સામે લડવાની સાથે, સી.એ.આઈ.ટી એ સી.સી.આઈને પણ ફરિયાદ કરી છે.
આ સમાચાર પણ વાંચો : એલ.આઈ.સી.નો આઈ.પી.ઓ આવે પછી એજન્ટોનું શું થશે. થયો મોટો ખુલાસો. જાણો વિગતે.
સી.એ.આઈ.ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા, રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ અને રાષ્ટ્રીય સચિવ સુમિત અગ્રવાલે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું કે ફરિયાદો સાથે સંબંધિત તમામ દસ્તાવેજો અને કોમ્પ્યુટર રેકોર્ડ બંને વિક્રેતાઓ પાસેથી જપ્ત કરવામાં આવે જેથી તેમની સાથે કોઈ છેડછાડ ન થઈ શકે. રેકોર્ડ જપ્ત કરવાથી ક્લાઉડટેલ અને અપારિયો સહિત એમેઝોન સામે સી.એ.આઈ.ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને મોટાભાગે સમર્થન મળશે. સી.એ.આઈ.ટીએ માંગ કરી છે કે આ બે સિવાય એમેઝોનના અન્ય ટોપ ૨૦ સેલર્સની પણ યોગ્ય તપાસ થવી જોઈએ. એમેઝોન એફડીઆઈ નીતિનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને લાંબા સમયથી ભારતમાં એકાધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સી.એ.આઈ.ટી એ આરોપ લગાવ્યો છે કે એમેઝોનના ઈ-કોમર્સ પોર્ટલ પર કોઈ પારદર્શિતા નથી. આનાથી દેશના નાના રિટેલર્સ અને ગ્રાહકોને મોટું નુકસાન થાય છે. સી.એ.આઈ.ટી એ આરોપ મૂક્યો છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટની ગેરરીતિઓને કારણે મોબાઈલ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રેડીમેડ ગારમેન્ટ્સ, બ્યુટી કેર પ્રોડક્ટ્સ, ઘડિયાળો, ગિફ્ટ આઈટમ્સ, ફર્નિશિંગ ફેબ્રિક્સ વગેરેના છૂટક વેપારીઓને ભારે નુકસાન થયું છે.