News Continuous Bureau | Mumbai
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાદ્યતેલોના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેલ અને તેલીબિયાં પરની 30 જૂન 2022 સુધીની સ્ટોક મર્યાદાને 30 ડિસેમ્બર 2022 સુધી લંબાવી દીધી છે. જોકે સરકારના આ નિર્ણયથી વેપારી વર્ગ નારાજ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
અખિલ ભારતીય ખાદ્ય ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ શંકર ઠક્કરે કહ્યું હતું કે જે દિવસથી તેલ અને તેલિબિયા સ્ટોક લિમિટ લાગુ કરી છે, ત્યારથી જ ભાવ ઘટવા જોઈતા હતા. તેને બદલે લગભગ દોઢ મહિના સુધી તેલના ભાવમાં સતત વધારો થયો છે. એટલે કે સરકારનો ઈરાદો સ્ટોક મર્યાદિત કરીને તેલના ભાવ ઘટાડવાનો હતો પરંતુ આ વાત તદ્દન ખોટી સાબિત થઈ છે, તેમ છતાં સરકારે ઉતાવળે તેલ અને તેલિબિયાની સ્ટોક લિમિટની મુદત વધારી દીધી છે, જેના કારણે ખેડૂતો ઉત્પાદન વેચતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને આવતા વર્ષે ફરી ઓછો પાક આવવાની સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : મોદીનું નારાયણ-નારાયણ. લઘુ ઉદ્યોગ ખાતા માટે આટલા કરોડ રૂપિયા કર્યા મંજૂર.. જાણો વિગતે
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝ મુજબ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાદ્યતેલોના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 3 ફેબ્રુઆરી 2022ના રોજ એક આદેશ જારી કરીને તેલ અને તેલીબિયાં પર સ્ટોક મર્યાદા લાદી હતી, જેનો સમયગાળો 30 જૂન 2022 સુધીનો હતો. હવે આ સમયગાળો ડિસેમ્બર, 2022 સુધી વધારવામાં આવ્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આદેશમાં બે ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જેમાં ઉત્પાદકોને જૂના ઓર્ડરમાં 90 દિવસની સ્ટોરેજ ક્ષમતા જેટલો સ્ટોક રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, જેને બદલીને 90 દિવસની ઉત્પાદન ક્ષમતામાં રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેલીબિયાં પરની સ્ટોક મર્યાદા દૂર કરવામાં આવી છે પરંતુ આયાતી ક્રૂડ તેલમાંથી તૈયાર કરાયેલા અથવા તેલીબિયાંમાંથી બનેલા તેલ અંગે સ્પષ્ટતા આપવામાં આવી નથી.
CAITની પ્રેલ રિલીઝમાં કહેવામાં આવ્યા મુજબ સરકારે અગાઉના અને હાલના બંને આદેશોમાં ભેદભાવની નીતિ અપનાવી છે, મલ્ટી ચેઈન સ્ટોર્સના ડેપો માટે 100 ટનની મર્યાદા છે, જ્યારે જથ્થાબંધ વિક્રેતાઓ જેમની પાસે લગભગ 10 પ્રકારનું તેલ હોય છે અને એક ટેન્કર ઓછામાં ઓછું 25 ટન લઈને આવે છે. આવી સ્થિતિમાં, જથ્થાબંધ વેપારી માટે 50 ટનની સ્ટોક મર્યાદા લાદવી, તે સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ નિર્ણય છે.
CAITના પદાધિકારીના કહેવા મુજબ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને સ્ટોક લિમિટ લાદવાથી વેપારીઓ અને ખેડૂતોને નુકસાન થવાનું છે. ભૂતકાળમાં સ્ટોક લિમિટ સંબંધિત દાવા લગભગ 10 વર્ષથી પેન્ડિંગ છે. અને હજુ સુધી આ અંગે નિર્ણય આવ્યો નથી, જેના કારણે વેપારીઓ અને દેશને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે, તેથી સરકારે સ્ટોક લિમિટ સમાપ્ત થયા બાદ ફરીથી તેને ફરીથી લંબાવી જોઈએ નહીં.