ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
નિયમોનું ઉલ્લંઘન કરીને ભારતમાં પગપેસારો કરનારી વિદેશી ઈ-કૉમર્સ કંપનીને તાજેતરમાં 200 જેટલાં પ્રકરણમાં ભારત સરકારે નોટિસ ફટકારી છે. દેશમાં વેચાણ કરવામાં આવનારી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરનારી કંપનીથી લઈને કયા દેશમાં એનું ઉત્પાદન થયું હોવાની માહિતી ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા છુપાવવામાં આવી રહી હોવાની ફરિયાદ થઈ હતી. એને પગલે સરકારે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આ કંપનીઓને નોટિસ તો ફટકારી છે, પણ સાથે જ તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે CAIT દ્વારા ઈ-કૉમર્સ કંપનીઓ સામે નિયમોનું ઉલલંઘન કરીને ખોટી રીતે વ્યવસાય કરવામાં આવતો હોવાની લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી છે. એમા કૉમર્સ કંપનીઓને માત્ર એક અઠવાડિયામાં જ 200થી વધુ પ્રકરણમાં સરકારે નોટિસ ફટકારી છે. આ કંપનીઓ પાસેથી 16થી 26 ઑક્ટોબર સુધીના એક અઠવાડિયામાં દંડ રૂપે 41,85,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સરકારના નિયમોનું સૌથી વધુ ઉલ્લંઘન ઇલેક્ટ્રોનિક્સ અને ગાર્મેન્ટ્સના ઉત્પાદનના વેચાણમાં થયું છે. નૅશનલ હેલ્પલાઇન પૉર્ટલ પર ઈ-કૉમર્સ કંપની વિરુદ્ધ ગ્રાહકો અને CAIT દ્વારા સતત ફરિયાદ કરવામાં આવી રહી હતી.
ભારતીય સેનાની તાકાતમાં વધારો, અગ્નિ-5 મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ; જાણો તેની વિશેષતા
CAITના મહાનગરના પદાધિકારીના કહેવા મુજબ CAIT દ્વારા સતત કરવામાં આવી રહેલી ફરિયાદને પગલે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી. એમાં જણાઈ આવ્યું હતું કે ઉત્પાદનો પર કોઈ પ્રકારની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. એટલે કે મૂળ રૂપથી આ વસ્તુ કયા દેશમાં બની છે? સરકારે ગયા વર્ષે બનાવેલા નિયમ મુજબ આ માહિતી આપવી ફરજિયાત છે. અનેક કંપનીઓ પોતાની સાઇટ્સ પર ફરિયાદ કરવા માટે મોબાઇલ નંબર, ઈ-મેઇલ આઈડી જેવી માહિતી પણ આપતી નહોતી. આ બાબતની ફરિયાદ બાદ ઈ-કૉમર્સ કંપનીઓએ ખોટી દલીલો કરીને બચાવનો નિરર્થક પ્રયાસ પણ કર્યો હતો.
સરકારને તપાસ દરિમયાન જણાઈ આવ્યું હતું કે વેચાણકારોએ પોતાની વસ્તુના ઉત્પાદક દેશની ખોટી માહિતી રાખી હતી. તહેવારોની સિઝનમાં ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી અધૂરી માહિતી આપવામાં આવી રહી છે. એથી સરકારી મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને તહેવારોની સિઝનમાં વેચાણ થનારાં ઉત્પાદનો પર નજર રાખવાનું પણ કહેવામાં આવ્યું હોવાનું CAITના પદાધિકારીએ જણાવ્યું હતું.