ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર
એક તરફ વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ વેપારને લગતા દેશના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. કરચોરી કરીને દેશના આર્થિક ચક્રને નુકસાન પહોંચાડી રહી છે, છતાં થોડા દિવસ પહેલા કેન્દ્રના સ્વાસ્થય મંત્રાલયએ લોકોને ઓનલાઈન શોપિંગ કરવાની અપીલ કરતી જાહેરાત કરી હતી. તેની સામે કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ જોરદાર વિરોધ કરતા છેવટે સરકારને ઝુકવું પડયું હતું. સરકારે વિવાદસ્પદ જાહેરાત કરતોવિડિયો પાછો ખેંચી લીધો છે. જોકે દીવાળી પહેલા જ લોકોએ મોટા પ્રમાણમાં ઓનલાઈન શોપિંગ કરી લીધી હતી. તેથી હવે સરકારે આ વિડિયો પાછો ખેંચી લેવાના પગલાને અમુક વેપારી વર્ગે જ વખોડી કાઢયો છે.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે 20 ઓક્ટોબરના ટ્વીટર તથા અન્ય માધ્યમો પર એક વિડિયો બહાર પાડયો હતો. જેમા લોકોને કોરોનાથી બચવા માટે ઓનલાઈન શોપિંગ કરવાની અપીલ કરી હતી. તેની સામે દેશભરના વેપારીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. CAIT 23 ઓક્ટોબરના દેશભરમાં તેનો વિરોધ કર્યો હતો. વેપારીઓને પણ ચૂંટણીમાં ઓનલાઈન વોટિંગ કરવાની સુવિધા આપો એવી માગણી કરી હતી. દેશભરમાં સરકારની આ જાહેરખબર સામે ભારે વિરોધ જાગ્યો હતો. છેવટે સરકારને આ જાહેરખબર પાછી ખેંચવી પડી હતી.