ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
સમગ્ર વિશ્વને કોરોનાના મુખમાં ધકેલનાર ચીનના અર્થતંત્રમાં ફરી રિકવરી જોવા મળી છે. દેશનું અર્થતંત્ર ફરી પાટે ચઢવાના સંકેતો મળી રહ્યાં છે. ત્રીજી ક્વાર્ટરમાં ચીનનું અર્થતંત્ર સુધર્યું છે પરંતુ, વિશ્લેષકોના અનુમાનથી નીચે છે, નિરાશાજનક છે. એમ કહેવામાં આવી રહ્યું છે. સોમવારે ચીનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના આંકડા દર્શાવે છે કે ચીનનો જીડીપી દર વાર્ષિક દ્રષ્ટિએ 4.9 % વધ્યો છે. બીજા ત્રિમાસિકગાળાના 3.2%ના વિકાસદરના અનુમાનની સામે ત્રીજા કવાર્ટરમાં ચીનનો GDP 5.2% ની આસપાસ રહેવાનો કરવામાં આવેલાં પોલનો અંદાજ હતો, જે તેનાથી નીચે રહેતા નિરાશા સાંપડી છે.
ચાલુ વર્ષના શરૂઆતના નવ માસના આંકડા પર નજર કરીએ તો કોરોના ગ્રહણને કારણે ચીનનું અર્થતંત્ર જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં માત્ર 0.90 % જ વધ્યું હતુ. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતાં ચીનમાં સરકારે જાહેર ખર્ચ વધારવા, કરવેરામાં રાહત આપવા અને ધિરાણ દરમાં ઘટાડા અને બેન્કોની અનામત આવશ્યકતામાં ઘટાડો કરીને કોરોનાવાયરસથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને રોજગારને ટેકો આપવા સહિતનાં પગલાં લીધાં છે તેથી અર્થતંત્ર ફરી પાટે ચઢી શક્યું છે.