ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
18 સપ્ટેમ્બર 2020
આજની તારીખમાં જે વસ્તુની સૌથી વધુ જરૂરિયાત છે તે છે કોરોના ની રસી. વિશ્વભરની 50થી વધારે રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને કંપનીઓ આ કામમાં જોતરાયેલી છે. આ રસીની તપાસણી કરવાનું કામ ચાલુ છે. ભારત દેશમાં સ્ટેજ ક્રમાંક ૧, ૨,૩ એમ અલગ અલગ તબક્કામાં આ દવા નું ટેસ્ટિંગ ચાલુ છે. ગુરુવારે સંસદમાં આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો હતો કે આવતા વર્ષની શરૂઆતમાં રસી બનીને તૈયાર થઇ જશે. આ પરિસ્થિતિમાં હવે સવાલ એ છે કે આ રસી તમારા સુધી પહોંચશે ક્યારે? તો જવાબ છે કે એ વાત ની કોઈ ગેરન્ટી નથી કે દવા તમારા સુધી વહેલી પહોંચશે.
વિશ્વના ધનિક દેશોએ અત્યારથી જ ફાર્માસ્યુટિકલ કંપનીઓને પૈસા આપી દીધા છે, તેમજ જે દવા બનશે તેનો 50% સ્ટોક અંકે કરી લીધો છે. આ ધનિક દેશોમાં વિશ્વની માત્ર 13 ટકા વસ્તીઓ રહે છે. અન્ય બચેલા દેશો માં ૮૭ ટકા લોકો રહે છે. પરંતુ પૈસાના જોરે ધનિક દેશોએ તમામ ફાર્માસ્યુટિકલ કંપનીઓ માં દવા નો સ્ટોક બુક કરી લીધો છે અથવા પ્રોડક્શનમાં હિસ્સેદારી ખરીદી લીધી છે.
એવું લાગી રહ્યું છે કે કોરોના ની રસી પણ શેરબજારની માફક નફા નુકસાન ના ધોરણે વેચાશે. કારણ કે કુલ પ્રોડક્ટ્સનો 50% સ્ટોક બુક થઈ ગયા બાદ માત્ર 13 ટકા વસતી ધરાવતા લોકો વધારા ની દવાનું શું કરશે? જવાબ છે ઊંચા ભાવે ગરીબોને વેચશે અને તેઓ વધુ પૈસા કમાશે.
આમ પૈસાના જોરે ધનિક દેશોએ અત્યારથી જ કોરોના ની રસી નો વેપાર શરૂ કરી દીધો છે. ઓક્સફેમ નામના સંગઠનના એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે. ઓક્સફેમના રિપોર્ટ મુજબ, 5 અગ્રણી રસીઉત્પાદકો હાલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. તેઓ લગભગ 5.9 અબજ ડોઝ સપ્લાય કરવા સક્ષમ છે, જે લગભગ 3 અબજ લોકો માટે પૂરતા છે. જોકે એમાંથી લગભગ 51 ટકા ડોઝ અમેરિકા, બ્રિટન, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇઝરાયેલ જેવા ધનિક દેશોએ પહેલેથી બુક કરી રાખ્યા છે, બાકીના 2.6 અબજ ડોઝ ભારત, બાંગ્લાદેશ, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને મેક્સિકો જેવા વિકાસશીલ દેશોએ ખરીદ્યા છે અથવા ખરીદવાનું વચન આપ્યું છે.
