ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચેલા છે. મોંઘવારીમાં પિસાઈ રહેલા નાગરિકોને જોકે થોડી રાહત મળવાની શક્યતા છે. ઈંધણને ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (GST) હેઠળ લાવવાનો કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. 17 સપ્ટેમ્બરના આ બાબતે નિર્ણય લેવામાં આવવાનો છે. GST કાઉન્સિલની બેઠક થવાની છે, એમાં જો આ નિર્ણય થયો તો બહુ જલદી પેટ્રોલ-ડીઝલના દરમાં ઘટાડો થશે.
કેન્દ્ર સરકાર દ્વારા મોટા પ્રમાણમાં એક્સાઇઝ વસૂલ કરવામાં આવે છે, તો રાજ્ય સરકાર દ્વારા વેટ વસૂલ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે વારંવાર એક્સાઇઝ ડ્યૂટી વધારી છે, એને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જતા હોવાનો દાવો રાજ્ય સરકાર કરતી હોય છે. એથી ઈંધણ પર દેશભરમાં એક જ ટૅક્સ સિસ્ટમ હોવી જોઈએ એવી લાંબા સમયથી રાજ્ય સરકાર માગણી કરી રહી છે, જે અંતર્ગત ઈંધણ પર GST લાગુ કરવો એવી પણ માગણી કરવામાં આવી છે. જો પેટ્રોલ-ડીઝલ GSTની શ્રેણી હેઠળ આવે, તો એક જ ટૅક્સ હોવાથી એના ભાવ ઘટી જશે એવું માનવામાં આવે છે.