ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
કોરોના મહામારી સમયે સ્ટ્રીટ ફૂડનો સ્વાદ લેવાનું લોકો ટાળી રહ્યા છે આ સમયે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિમાં રસ્તા પર રેંકડી રાખીને ઉભા રહેતા સ્ટ્રીટફુડ વેન્ડરોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે એક પહેલ કરી છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વાનિધિ સ્કીમના આધારે ઓનલાઈન ફૂડ ઓર્ડર અને હોમ ડિલિવરી કરનારી કંપની સ્વીગી સાથે કરાર કર્યો છે.
કેન્દ્ર સરકાર અને સ્વીગીની વચ્ચે થયેલા કરાર બાદ સ્ટ્રીટ વેન્ડર્સ ખાવા પીવાના સામાનનો ઓનલાઈન ઓર્ડર લીધા બાદ હોમ ડિલિવરી કરી શકશે. જ્યાં એક તરફ મંદીનો માર પડી રહ્યો છે ત્યાં આ સેક્ટરને મદદ મળશે અને સ્ટ્રીટ ફૂડના શોખીનો ઘરે બેઠાં જ તેનો સ્વાદ લઈ શકશે. અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, ઈન્દોર અને વારાણસીમાં પાયલટ પ્રોજેક્ટના આધારે તેની શરૂઆત કરાશે. શરૂઆતમાં આ 5 શહેરોના 250 વેન્ડર્સને જોડવામાં આવશે. જો આ યોજના સફળ થશે તો સરકાર તેને ચરણબદ્ધ રીતે દેશના અન્ય શહેરોમાં વિસ્તારવામાં આવશે.
શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ હતું કે કોરોના મહામારીમાં સંક્રમણને અટકાવવામાં સોશ્યલ ડીસ્ટન્સીંગનો નિયમ ચાવીરૂપ છે. એવામાં સ્ટ્રીટ વેન્ડરોનો ધંધો પણ ઓનલાઈન થઈ શકે તેવા ઉદેશ સાથે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટ્રીટ વેન્ડર્સના પાન નંબર અને એફએસએસઆઈથી નોંધણી કરાશે. આત્મનિર્ભર યોજના અંતગર્ત વેન્ડરોને 10,000 સુધીની સસ્તી લોન આપવાની જોગવાઈ છે. અત્યાર સુધીમાં આ યોજના માટે કુલ 20 લાખ અરજી આવી છે. તેમાંથી 7.50 લાખ મંજુર થઈ છે.