ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કરેલા કબજાને કારણે ભારતના ઇમ્પૉર્ટ-એક્સપૉર્ટને મોટા ફટકો પડવાનો છે. ભારતમાં મોટા પાયા પર સૂકામેવાની આયાત અફઘાનિસ્તાનથી કરવામાં આવે છે, પરંતુ બદલાયેલા સંજોગોને પગલે ડ્રાયફૂટ્સ વેપાર સાથે જોડાયેલા વેપારીઓનું ટેન્શન વધી ગયું છે. ડ્રાયફ્રૂટ્સની આયાતને ફટકો પડવાથી આગામી દિવસમાં ડ્રાયફ્રૂટ્સના ભાવ ઊંચા જવાની શક્યતા છે.
અફઘાનિસ્તાનથી ભારતમાં સૂકી કિસમિસ, અખરોટ, બદામ, અંજીર, પાઇન નટ, પિસ્તાં વગેરે સૂકામેવાની આયાત કરવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સની સાથે જ તાજાં ફળમાં ચેરી, તરબૂચ વગેરે પણ મોટા પ્રમાણમાં આયાત થાય છે. એ સિવાય ઔષધિ, જડીબુટ્ટી પણ અફઘાનિસ્તાનથી આવતી હતી. ભારતમાંથી અફઘાનિસ્તાનમાં ચા, કૉફી, કપાસ, રમકડાં, ચંપલ સહિત અનેક વસ્તુઓની નિકાસ થતી આવી છે.
અફઘાનિસ્તાનથી માલ વાયા પાકિસ્તાન આયાત થતો હતો. હાલ આયાત અને નિર્યાતના મોટા કન્ટેન્મેન્ટ અટવાઈ પડ્યા છે. એથી વેપારીઓને મોટું નુકસાન થવાની શક્યતા છે.
ભારતના મોટા ભાગના ઇમ્પૉર્ટર્સના માલ અટવાઈ પડ્યા છે. સ્થાનિક લોકો સાથે ત્યાં સંપર્ક થઈ શકતો ન હોવાથી ચિંતામાં વધારો થયો છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપૉર્ટ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ તાલિબાનોએ વેપારધંધાને અસર નહીં થવા દેશે એવું કહ્યું હોવાથી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.
આ તો વેપારીઓ પર કેવી આફત? બે દિવસમાં જ મૉલ પાછા બંધ થઈ ગયા; જાણો વિગત
દેશના લગભગ 8 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી કન્ફડેરશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કેટ)ના કહેવા મુજબ 2020-21માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 1.4 બિલિયન અમેરિકન ડોલર રહ્યો હતો. તો 2019-20માં 1.52 બિલિયન અમેરિકન ડોલરનો હતો. તેની સામે 2020-21માં ભારતથી 826 મિલિયન અમેરિકન ડોલરની કિંમતની નિકાસ થઈ હતી.