ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30, સપ્ટેમ્બર 2021
ગુરુવાર.
તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયા (FSSAI) તથા મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયાના નવા કાયદાથી તેલના વેપારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તથા સરકારી અધિકારીઓની કનડગતને કારણે વેપારમાં અડચણો આવી રહી હોવાની રજૂઆત કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કરવામાં આવી હોવાનું અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને CAITના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું.
મંગળવારે બાંદરામાં યોજાયેલી આ બેઠકમાં 23 જુદા જુદા સંગઠનોના પ્રતિનિધીઓએ હાજરી આપી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયાના નવા કાયદાથી તેમના વેપારમાં આવી રહેલી અડચણો બાબતે તેલના વેપારીઓએ રજૂઆત કરી હતી. જેમાં ખાસ કરીને ખુલ્લા તેલના વેચાણ પર મુકવામાં આવેલા પ્રતિબંધને હટાવવાની માગણી કરવામાં આવી હતી. તેમ જ વાપરવામાં આવેલા ડબ્બાઓને ફરી વાપરવાની મંજૂરી સહિત અનેક બાબતોની રજૂઆત કરવામાં આવી હતી. એ સિવાય અધિકારીઓ દ્વારા વેપારીઓની કરવામાં આવતી કનડગત બાબતે પણ તેમને વાકેફ કરવામાં આવ્યા હતા.
અમુક વખતે વેપારીઓ પાસેથી તપાસવામાં આવેલા નમૂનાના રિપોર્ટ આવતા 8થી 9 મહિનાનો સમય લાગી જતો હોય છે. પરંતુ એ પહેલા જ અખબારોમાં વેપારી વિરુદ્ધના અહેવાલો છપાતા હોય છે. તેને કારણે વેપારીઓના ઉત્પાદનને તો ફટકો પડે છે, સાથે જ ગ્રાહકોને થનારી અસરથી વેપારને પણ ફટકો પડતો હોવાની ફરિયાદ પણ આ દરિમયાન કરવામાં આવી હતી.
