ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
બ્રેક ધ ચેઇન હેઠળ મહારાષ્ટ્રમાં મોટા ભાગનાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે, પરંતુ હજી સુધી ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવાની રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. એની સૌથી વધુ અસર મંદિરની બહાર ફૂલહાર વેચવાનો વ્યવસાય કરનારો લોકોને થઈ છે.
કોરોનાનો ફટકો દરેક વ્યવસાયને પડ્યો છે. કોરોનાની બીજી લહેરને પગલે માર્ચ મહિનાથી મંદિરો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. ત્યારથી ફૂલહાર વેચનારાઓ આર્થિક રીતે બેહાલ થઈ ગયા છે. કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવવાથી ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકવાની આશા જાગી હતી.
જોકે સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં ત્રીજી લહેરની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે, તો ગણેશોત્સવ પણ નજીક છે. એથી કોરોનાના કેસ વધવાની શક્યતા છે. સરકાર હજી પણ મંદિરો ખોલવાના મૂડમાં નથી. જોકે ગણેશોત્સવ નજીક હોવાથી ફૂલહાર વેચનારાઓને થોડો ધંધો થવાની આશા નિર્માણ થઈ છે.