ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જુલાઈ 2021
બુધવાર.
મહારાષ્ટ્ર સરકારે લાદેલા લૉકડાઉનના નિયમોનો સૌથી વધુ ફાયદો ઈ-કૉમર્સ કંપનીઓને થઈ રહ્યો છે. મુંબઈ સહિત રાજ્યમાં સાંજના ફક્ત 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે. એની સામે ઑનલાઇન વેચાણ કરનારી કંપનીઓને કોઈ સમયમર્યાદા નથી. એથી તેમનો ધંધો પુરબહારમાં ચાલી રહ્યો છે. પહેલાંથી લૉકાડઉન એમાં પાછું ઈ-કૉમર્સ કંપનીઓના જંગી ડિસ્કાઉન્ટને કારણે વેપારીવર્ગને ધંધો કરવો મુશ્કેલ થઈ ગયો હોવાની નારાજગી ફરી વેપારી આલમે વ્યક્ત કરી છે. સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે એટલે નોકરિયાત વર્ગ ઑફિસથી ઘરે પાછો ફરતાં સમયે ખરીદી કરી શકતો નથી. તે ઑનલાઇન ખરીદી પ્રત્યે ઝુકે છે. એટલું ઓછું હોય એન ઑનલાઇન વ્યવસાય કરનારી મોટી મોટી ઈ-કૉમર્સ કંપનીઓ ગ્રાહકોને જંગી ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. એથી ગ્રાહકો વધુ લલચાઈ રહ્યા છે. એનું સીધું નુકસાન શૉપિંગ મૉલ જેવા સંગઠિત અને સ્ટોર્સ તથા દુકાનદાર જેવા અસંગઠિત રિટેલરોને થઈ રહ્યું છે.
કેન્દ્ર સરકારે ઈ-કૉમર્સ કંપનીઓ માટે નીતિ ઘડી છે. એમા ઈ-રિટેલર્સને ફ્લૅશ સેલ યોજવા પર પ્રતિબંધ તથા જંગી ડિસ્કાઉન્ટ આપવા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો છે. આ પ્રતિબંધો સામે જોકે ઈ-કૉમર્સ કંપનીઓએ વિરોધ કર્યો છે. સરકારનો આ નિયમ અમલમાં આવે એ પહેલાં જોકે ઈ-કૉમર્સ કંપનીઓ જંગી ડિસ્કાઉન્ટ જાહેર કરી દીધાં છે. એટલે કે સરકારના લૉકડાઉનના આકરા પ્રતિબંધો ઈ-કૉમર્સ કંપનીઓને ફાયદારૂપ બની ગયા છે.
જીએસટીની આવકમાં મોટું ગાબડું. કલેક્શન ૧ લાખ કરોડથી ઓછું થયું. જાણો કેટલો જીએસટી ભેગો થયો
તહેવારો નજીક આવી ગયા છે. એમાં લૉકડાઉનમાં કોઈ રાહત આપવામાં આવી નથી. જે રિટેલ દુકાનદારો માટે નુકસાનકારક છે, પણ એનો ફાયદો ઈ-કૉમર્સ કંપનીઓને મળી રહ્યો છે. તેમના જંગી ડિસ્કાઉન્ટને કારણે લોકો મોટા પ્રમાણમા ઑનલાઇન ખરીદી કરી રહ્યા છે, ત્યારે મુંબઈ સહિત રાજ્યના વેપારી વર્ગે ફરી એક વખત મહારાષ્ટ્ર સરકારને ઈ-કૉમર્સ કંપની સામે ટકી રહેવા માટે રાહત આપવાની માગણી કરી છે.