ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
કેટલાક મહિનાઓ અગાઉ સોનું 55901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ને ટચ થયું હતું. આજે સોનાનો ભાવ 44,430 રૂપિયા થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં શું હવે સોનુ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ જવાનું છે? વાત એમ છે કે કોરોના ની તકલીફ વધવાની સાથે જ લોકોને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનું પસંદ પડ્યું. આથી અન્ય રોકાણના વિકલ્પો નબળા પડ્યા અને વૈશ્વિક સ્તર પર લોકોએ સોનું ખરીદ્યું.
જોકે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોરોના ની રસી આવી જવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર મામલો શાંત પડી રહ્યો છે. અમેરિકામાં એક સ્થિર સરકાર આવી છે તેમ જ ભારત અને ચીન વચ્ચે હવે પહેલા કરતા સારા સંબંધો છે. આ પરિસ્થિતિમાં અત્યારે તમામ લોકોની નજર વેપાર અને ઉદ્યોગ ધંધા પર છે. અનેક જગ્યાએથી સમાચાર આવી રહ્યા છે કે હવે વેપાર સુધરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકો વેપાર અને ઉદ્યોગ ધંધા ને પ્રાથમિકતા આપી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં એવું માનવામાં આવે છે કે હવે સોનામાં સ્થિરતા આવશે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર ઉદ્યોગ ધંધાની પરિસ્થિતિ વધુ સારી થાય તો સોનું વધુ સસ્તુ થાય તેમ છે.