ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
કોરોનાની મહામારીમાં ભારતના આર્થિક ક્ષેત્ર મોટો ફટકો પડ્યો હતો. જોકે ભારત હવે એમાંથી બહાર આવી રહ્યું છે. મોટા પ્રમાણમાં વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા આર્કષાઈ રહ્યા છે. એમાં વિદેશી રોકાણકારોએ ભારતમાં 609 અબજ ડૉલરનું જંગી રોકાણ કરીને રેકૉર્ડ બનાવી દીધો છે. શૅરબજારમાં પહેલી વખત જ 609 અબજ ડૉલર જેવી જંગી રકમનું રોકાણ થયું છે. ખાસ કરીને બૅન્કિંગ અને ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં રોકાણકારોનો રસ વધુ રહ્યો છે. ગયા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ પ્રથમ વખત 600 અબજ ડૉલર સુધી પહોંચ્યું હતું.
ભારતીય બજારના માર્કેટ કૅપિટલાઇઝેશનના આશરે 20 ટકા હિસ્સા પર વિદેશી રોકાણકારોનો કબજો છે. ડિપોઝિટરી NSDL અનુસાર તેમનું કુલ રોકાણ 609 અબજ ડૉલર એટલે કે 45 લાખ કરોડ રૂપિયા છે. એમાં પણ ખાસ કરીને બૅન્કિંગ અને ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં તેમનું રોકાણ વધુ રહ્યું છે. કુલ રોકાણનો એકલો 32.14 ટકા હિસ્સો તે ધરાવે છે. સૉફ્ટવેર સર્વિસમાં 13.27 ટકા, ઑઇલ અને ગૅસમાં 10 ટકા, ઑટોમોબાઇલમાં 4.52 ટકાનું રોકાણ છે. ફાર્મામાં 4.03 ટકા કૅપિટલ ગુડ્સમાં 3.93 ટકાનું રોકાણ, ફૂડ ઍન્ડ બેવરેજીસમાં 2.55 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં 2.4 ટકાનું રોકાણ છે.
ડિસેમ્બર 2019માં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારોએ 31 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે જૂન 2020માં ઘટીને 26 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. જોકે એક વર્ષમાં જ બજારમાં રોકાણ વધી ગયું છે. એશિયામાં ભારતીય શૅરબજારે સૌથી વધુ 12 ટકા રિટર્ન આપ્યું છે.