ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
કોરોના કાળમાં દેશ-દુનિયાની આર્થિક સ્થિતિને માઠી અસર થઈ છે. આ મહામારીમાં ઘણા લોકોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવ્યા છે. જેના કારણે તેમણે ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે એક જાણીતી કંપનીએ લગભગ 70,000 લોકોને નોકરી આપવાના સંકેત આપ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ એ તહેવારી સીઝન પહેલા અને ઓક્ટોબરમાં થનારી ફ્લેગશિપ બિગ બિલિયન ડેઝ સેલ પહેલા લગભગ 70,000 લોકોને નોકરી આપવાના સંકેત આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટ લોકોને પોતાની સપ્લાઇ ચેન માટે નિમણૂક કરશે. સાથે જ લાખો ઇનડાયરેક્ટ નોકરીઓ ઊભી કરશે.
ફ્લિપકાર્ટની સપ્લાય ચેઇનમાં સીધી નોકરીની તકો ઊભી થશે, જેમાં ડિલિવરી બૉય, એક્ઝિક્યુટિવ, પિકર્સ, પેકર્સ અને સોર્ટર્સ સામેલ છે. ફ્લિપકાર્ટના વેચાણના ભાગીદારો અને સ્થાનિક કોર્નર સ્ટોર્સ પર અપ્રત્યક્ષ નોકરીઓની તકો પણ ઊભી થશે.
રિપોર્ટ મુજબ કંપની હાયરિંગ પછી લોકોને ટ્રેનિંગ આપશે. જે હેઠળ ડિજિટલ કર્મચારીઓને તૈયાર કરવા માટે સપ્લાય ચેન મેનેજમેન્ટ, કસ્ટમર સર્વિસ, ડિલિવરી, ઇન્સ્ટાલેશન, સેફ્ટી અને સેનિટાઇઝેશનના ઉપયોગની ટ્રેનિંગ અપાશે. સાથે જ હેન્ડ-હેલ્ડ ડિવાઇસેસ, PoS મશીન, સ્કેનર, વિવિધ મોબાઇલ એપ્લિકેશન અને ERPs ની ટ્રેનિંગ પણ આપશે. જેથી કર્મચારીઓની સ્કિલ્સમાં વધારો થશે અને તેમના ભવિષ્યમાં સુધારો થશે.
ફ્લિપકાર્ટ, એમેઝોન.કોમ ઇન્કની ભારતીય સબસિડિયિરી ને રિલાયન્સ ઇન્ડ. લિ.નો ઈ-કોમર્સ વેપાર ઝડપથી વધતાં, ઓનલાઇન રિટેલ માર્કેટમાં હિસ્સો વધારવા માટે ભારે પ્રયાસો કરી રહી છે. કોવિડ-19ના રોગચાળાને કારણે ઈ-કોમર્સ વેપારમાં ખાસ્સો વધારો થયો છે, કેમ કે મોટા ભાગના ભારતીયોએ કરિયાણાનો સામાન અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે ઘરે બેઠાં સ્માર્ટફોનનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે.
