ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર
બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ અગાઉ સોમવારે તેમણે ફાઈનાન્સિયલ યર 2021-22નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ઈકોનોમિક સર્વેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી ફાઈનાન્સિયલ યરમાં દેશનો વિકાસ દર 8-8.5 ટકા રહેશે. ત્યારે હવે સૌની નજર ફાઈનાન્સિયલ યર 2022-23ના કેન્દ્રીય બજેટ પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. બજેટ પર ચર્ચા માટે કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં બજેટને મંજૂરી મળ્યા બાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. પીએમ મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે અને સંચાર તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી પણ કેબિનેટ બેઠકમાં સામેલ છે.
નાણા મંત્રી નિર્મલા સીતારામણ 11:00 વાગ્યે પોતાની બજેટ સ્પીચ વાંચવાનું શરૂ કરશે. સામાન્ય રીતે બજેટ સ્પીચ 90થી 120 મિનિટની હોય છે. જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણ નામે સૌથી લાંબી બજેટ સ્પીચ આપવાનો રેકોર્ડ છે.
03:45 કલાકે નેશનલ મીડિયા સેન્ટર ખાતે બજેટ પછીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ત્યારબાદ નાણા મંત્રી સાંજે 5:00 વાગ્યાથી 5:45 વાગ્યા દરમિયાન સંસદ ટીવી અને દૂરદર્શન પર બજેટ પછી ઇન્ટરવ્યૂ આપશે.