ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ 27 ડિસેમ્બર 2021
સોમવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમે બહાર પાડેલા નવા નિયમો પહેલી જાન્યુઆરી 2022થી અમલમા આવશે. તે મુજબ માલ કે સેવા વેચનાર જો તેના માસિક ગુડ્સ સર્વિસ ટેક્સ (GST)-R1 ફોર્મમાં ઈન્વોઈસ ની વિગત નહીં ભરે તો તે ખરીદનારને અત્યારે મળતી પાંચ ટકાની પ્રોવિઝનલ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મળશે નહીં. પરંતુ માલ કે સેવા વેચનારની ભૂલ કે બેદરકારીનો ભોગ તે ખરીદનારા બને તો તે અન્યાયકારી ગણાશે એવી નારાજગી વેપારીઓએ વ્યકત કરી છે.
એ સિવાય GST અધિકારીઓને કરચોરીની શંકા જશે ત્યાં તેની તપાસ કરવાની સત્તા પણ આપવામાં આવી છે. જે કરદાતાઓએ ચૂકવેલા ટેક્સની મેળ નોંધાયેલા વહેવાર સાથે બેસે નહીં ત્યાં તેઓ જાતે જઈને તપાસ કરી શકશે. સરકારનો ઈરાદો GSTની ચોરી અટકાવવાનો છે પરંતુ વગર કારણે ખરીદનાર વેપારીઓને નાહકનું ભોગવવું પડશે એવી નારાજગી પણ વેપારી વર્ગે વ્યક્ત કરી છે.
નિષ્ણાતો કહેવા મુજબ GSTના કાયદાને સરળ બનાવવાને બદલે તેમાં વારંવાર સરકાર ફેરફાર કરી રહી છે, તેને કારણે કરદાતાઓની મુશ્કેલી વધી રહી છે. સરકારના વિચિત્ર કાયદાને કારણે લોકો કરચોરી કરવા તરફ વળતા હોય છે.
અહીં ઉલ્લેખનીય છે કે સરકારે ઓક્ટોબર 2019 20 ટકા પ્રોવિઝનલ આઈટીસી આપવાની જાહેરાત કરી હતી. આ પ્રમાણ ઘટાડીને 2020માં 10 ટકા કરવામાં આવ્યું હતું અને 2021ની પહેલી જાન્યુઆરીથી તે વધુ ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું હતું. અને હવે આ પાંચ ટકા માટે પણ સરકાર પહેલી જાન્યુઆરી 2022ની નવો નિયમ લાવી રહી છે.