ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જૂન 2021
મંગળવાર
કોરાનાની ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસ વાયરસનું જોખમ હોવાનું કારણ આગળ કરીને મહારાષ્ટ્ર સરકારે સોમવારથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં લેવલ 3 હેઠળના પ્રતિબંધ અમલમાં મૂકી દીધા છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસનું જોખમ શું ફક્ત મહારાષ્ટ્રમાં જ છે? એવો સવાલ વેપારીનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશન (FRTWA )ના પ્રમુખ વિરેશ શાહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કર્યો છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. એથી વેપારી વર્ગ સરકાર પાસેથી રાહત મળે એવી અપેક્ષા રાખતો હતો. એને બદલે ફરી પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. અત્યાવશ્યક સેવાને બાદ કરતાં તમામ દુકાનો સાંજના 4 વાગ્યે બંધ કરવાનો આદેશ છે. એથી સામાન્ય નાગરિક જ નહીં, પણ વેપારી વર્ગમાં પણ સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે.
સરકારનું આ પગલું અન્યાયી છે એવું જણાવતાં FRTWA ના પ્રમુખ વિરેન શાહે કહ્યું હતું કે ગુજરાત, દિલ્હી, વેસ્ટ બંગાળ આ મહત્ત્વનાં ત્રણ રાજ્યોમાં દુકાનો, મૉલ, રેસ્ટોરાં, થિયેટર, સલૂન, જિમ સહિત પબ્લિક ટ્રાન્સપૉર્ટ ખૂલી ગયાં છે. દુકાનોને સવારથી મોડી રાત સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તો પછી ફક્ત મહારાષ્ટ્રમાં જ દુકાનો ખુલ્લી રાખવાના સમય પર પ્રતિબંધ કેમ? શું ફક્ત મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં જ કોરોનાનું અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું જોખમ છે, એ બાબતનો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો હોવાનું પણ વિરેન શાહે ક્હ્યું હતું.
અમે સરકારની ચિંતા સમજી શકીએ છીએ, પરંતુ એક તરફ દેશનાં અન્ય શહેરોમાં ધીમે-ધીમે લૉકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે, તો પછી ફક્ત મહારાષ્ટ્રમાં જ આટલા આકરા પ્રતિબંધ કેમ? એવી દલીલ કરતાં વિરેન શાહે સરકારના આ પગલા સામે નારાજગી વ્યક્ત કરી હતી.