ન્યુઝ કન્ટિન્યુઝ
23 ઑગસ્ટ, 2021
સોમવાર
એક તરફ હૉલમાર્કિંગ અને HUIDને લઈને દેશભરના ગોલ્ડ ઍન્ડ જેમ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓ અને ઝવેરીઓ આજે એક દિવસની સાંકેતિક હડતાલની જાહેરાત કરી છે, ત્યારે બીજી તરફ કોરોના પ્રતિબંધક નિયમો હળવા કરવાની અસર સુવર્ણ માર્કેટમાં પણ જણાઈ રહી છે. છેલ્લા થોડા દિવસમાં ગોલ્ડ રીટેલ માર્કેટની ઘરાકીમાં 60 ટકાનો વધારો થયો હોવાનું માર્કેટના જાણકારોનું કહેવું છે.
ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના મુંબઈના પ્રેસિડન્ટ કુમાર જૈને જણાવ્યું હતું કે લગ્ન અને તહેવારોની મોસમ છે, એથી સોનાની ખરીદી વધી ગઈ છે. છેલ્લા દોઢ વર્ષમાં લૉકડાઉનને કારણે એપ્રિલ-મે મહિનામાં રહેલી લગ્નસરાના મુહૂર્ત આગળ ઠલવાયાં હતાં. હવે કોરોના નિયંત્રણમાં આવતાં રાજ્ય સરકારે છૂટછાટો આપી છે. જેમાં લગ્નમાં પણ મહેમાનોની સંખ્યા પણ વધારવાની મંજૂરી આપી છે. હવે મોટા પ્રમાણમાં લોકો લગ્નનું આયોજન કરી રહ્યા છે. તેમ જ સોનાના ભાવ પણ થોડા નીચે ઊતર્યા છે. સોનાના દાગીનાની ખરીદીમાં બજાર ઊંચકાઈ છે.
જી-7 દેશો અફઘાનિસ્તાનની મદદે આવ્યા, આ તારીખે કરશે મોટું કામ, બ્રિટિશ વડાપ્રધાન જોન્સને કરી જાહેરાત
આગામી દિવસમાં બજાર હજી ઊંચકાવાની શક્યતા વ્યક્ત કરતાં કુમાર જૈને જણાવ્યું હતું કે સોનાના ભાવ હાલ ઘટી ગયા છે. 49,000 રૂપિયાની આસપાસ ભાવ પહોંચેલો છે. એને કારણે પણ લોકો ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે. છેલ્લા થોડા દિવસમાં બજારમાં 60 ટકા ઘરાકી વધી ગઈ છે. દશેરા સુધીમાં બજારમાં ઘરાકી 100 ટકાએ પહોંચી જવાની શક્યતા છે. દિવાળી સુધીમાં આ તેજી 160 ટકાએ પહોંચી જવાની શક્યતા છે.
