ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 સપ્ટેમ્બર 2020
સોના ચાંદીના ભાવ સતત ગગડી રહ્યા છે. આજે બજાર ખુલતાંની સાથે જ ભાવોમાં મસમોટું ગાબડું જોવા મળ્યું.. તેમજ સોનાં ચાંદીની તેજીનો ફુગ્ગો ફૂટી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના-ચાંદીમાં કરેક્શનના પગલે સ્થાનિક બજારોમાં પણ આજે સોનું 10 ગ્રામ દીઠ રૂ.750 ઘટી રૂ. 51,750 અને ચાંદી કીલોદીઠ રૂ.1500ના ઘટાડા સાથે રૂ. 58,500ના મથાળે રહ્યા હતા. સળંગ ત્રણ દિવસના ઘટાડામાં સોનામાં રૂ.1750 જ્યારે ચાંદીમાં રૂ. 7000નો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી ખાતે સોનું રૂ. 614 ઘટી રૂ.50750 અને ચાંદી રૂ.1898ના ઘટાડા સાથે રૂ. 59720ના મથાળે રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઔન્સ ના $ 1879.30 ની આસપાસ બોલાઈ રહયાં છે.
મુંબઇ બજારમાં નબળા વૈશ્વિક વલણ અને સ્થાનીક માંગ ઘટવાનાં કારણે સર્રાફા બજારમાં સતત ઘટાડાનું વલણ રહ્યું છે. વેપારીઓએ કહ્યું કે, ડોલરમાં મજબુતી વચ્ચે નબળા વૈશ્વિક વલણથી સોનામાં ઘટાડો થયો હતો. ઊંચા ભાવ ઉપરાંત અધિક માસના કારણે ઘરાકીમાં સુસ્તી જોવા મળી રહી છે. સાથે જ સ્ટોકિસ્ટો પણ સેફ હેવન ગણાતાં ઇક્વિટી તરફ વળ્યાં છે.. જેની પણ મોટી અસર ભાવ ઘટાડા પર જોઈ શકાય છે. સાથે જ પેટ્રોલિયમ પદાર્થોના ભાવો વિશ્વ બજારમાં ઘટયાં છે જેની અસર પણ સોના ચાંદીના ભાવ પર જોઈ શકાય છે.
