News Continuous Bureau | Mumbai
Gold Silver Rate Today: આજે એટલે કે બુધવાર, 21 જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમતોએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને તે હવે ₹1.54 લાખ પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીને વટાવી ગઈ છે. આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ ફેબ્રુઆરી વાયદા સોનું 2.70% વધીને ₹1,54,628 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. તેવી જ રીતે, માર્ચ વાયદા ચાંદી પણ 0.51% ના વધારા સાથે ₹3,25,326 પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી હતી. ડોલરની નબળાઈ અને મજબૂત રિટેલ માંગને કારણે કિંમતોમાં આ ઉછાળો આવ્યો છે.
અમેરિકા-યુરોપ ટ્રેડ વોર તેજીનું મુખ્ય કારણ
અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે વધતા જતા તણાવને કારણે રોકાણકારો હવે સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ વળ્યા છે. અહેવાલો મુજબ, યુરોપિયન સંસદ અમેરિકા સાથેના વ્યાપાર કરારોની પ્રક્રિયા રોકી શકે છે. આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ મેળવવાની જીદ અને યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકીએ બજારમાં ડરનું વાતાવરણ ઉભું કર્યું છે.
ટ્રેમ્પની ટેરિફ ધમકી અને વૈશ્વિક અનિશ્ચિતતા
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જે જૂન 2026 થી વધીને 25% થઈ શકે છે. જવાબમાં યુરોપિયન દેશો પણ વળતી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ખેંચતાણને કારણે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે અને જોખમી સંપત્તિઓમાં ગભરાટભરી વેચવાલી થઈ રહી છે, જેનો સીધો ફાયદો કિંમતી ધાતુઓને મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
એક્સપર્ટ્સનો અભિપ્રાય
કોમોડિટી એક્સપર્ટ્સના મતે, ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાની મહત્વકાંક્ષા અને ટ્રેડ વોરમાં વધારો થવાને કારણે સોના-ચાંદીના ભાવ હજુ પણ વધી શકે છે. રોકાણકારો માટે સોનું અત્યારે ‘સેફ હેવન’ (Safe Haven) સાબિત થઈ રહ્યું છે. જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો આગામી દિવસોમાં ભાવમાં વધુ ઉછાળો આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.