News Continuous Bureau | Mumbai
Gold Silver Rates Today। સ્થાનિક ફ્યુચર માર્કેટમાં સોમવારે સવારે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મૂલ્યમાં થયેલો ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા મોટા કડાકાને કારણે કિંમતી ધાતુઓની કિંમતો આકાશે આંબી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ ૦.૪૦ ટકા અથવા ૭૨૭ રૂપિયા વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૯,૩૧5 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, ચાંદીના ભાવમાં ૧.૬૦ ટકા અથવા ૪,૫૯૨ રૂપિયા પ્રતિ કિલોનો પ્રચંડ ઉછાળો આવ્યો છે, જેનાથી ચાંદીનો નવો ભાવ પ્રતિ કિલો ૨,૭૬,૧૯૨ ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
સોના-ચાંદીમાં તેજી આવવાના મુખ્ય કારણો
કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે સોના-ચાંદીની કિંમતો વધવા પાછળ વૈશ્વિક ઘટનાક્રમ જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં જ શાંતિ સમજૂતી થવાની આશાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૫ ટકાથી વધુ તૂટીને ૯૮ ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયા છે. આ સાથે જ ડોલર ઈન્ડેક્સમાં પણ ૦.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ડોલર નબળો પડવાને કારણે અન્ય ચલણ ધરાવતા રોકાણકારો માટે સોનું અને ચાંદી ખરીદવું સસ્તું બને છે, જેના લીધે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની માંગમાં અચાનક મોટો વધારો જોવા મળ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બજારમાં હલચલ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથેના શાંતિ કરારમાં ઘણી પ્રગતિ થઈ છે અને આ સમજૂતી બાદ હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવામાં આવશે. એક નિષ્ણાત ના જણાવ્યા અનુસાર, હોર્મુઝમાં તણાવ ઓછો થવાની આશાથી બજારમાં સુધારો થયો છે, પરંતુ ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં ઉતાર-ચઢાવ હજુ પણ ચાલુ છે. હાલમાં સોના માટે ૧,૬૦,૦૦૦ અને ત્યારબાદ ૧,૬3,૦૦૦ નું રઝિસ્ટન્સ લેવલ છે, જ્યારે ૧,૫૭,૫૦૦ નું મજબૂત સપોર્ટ લેવલ જોવા મળી રહ્યું છે. જો કિંમતો આનાથી નીચે જશે તો જ ઘટાડો સંભવ છે.
રોકાણકારો માટે સોનાની ખરીદીની યોગ્ય તક
એક નિષ્ણાત ના જણાવ્યા અનુસાર, એમસીએક્સ પર સોના માટે આગામી સપોર્ટ લેવલ ૧,5૭,૭૦૦ થી ૧,5૬,૬૫૦ ની આસપાસ છે. રોકાણકારો માટે સલાહ આપતા તેમણે જણાવ્યું છે કે, જેઓ લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરવા માંગે છે તેઓ ૧,૫૮,૫૦૦ થી ૧,૫૭,૭૦૦ ની વચ્ચે ખરીદી કરી શકે છે. આ ખરીદી માટે સ્ટોપ લોસ ૧,૫૬,૬૫૦ ની નીચે રાખવો જોઈએ, જ્યારે ટૂંકા ગાળા માટે સોનાનો ટાર્ગેટ ૧,૫૯,૩૫૦ અને ૧,૬0,૩૦૦ નો રાખી શકાય છે. જો કે, કોમોડિટી માર્કેટમાં રોકાણ જોખમોને આધીન હોવાથી રોકાણકારોએ પોતાના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી જરૂરી છે.