ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
કેન્દ્ર સરકાર ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર ખોટી અને ભારે છૂટના નામે ગ્રાહકો સાથે ફ્લૅશ સેલના નામેછેતરપિંડીથી થતાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કેએમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી ઈ-કૉમર્સ કંપનીઓ પર ડિસ્કાઉન્ટ અને સેલ પર કોઈ પ્રતિબંધ મુકાશે નહિ. ઉપરાંત સરકાર ગ્રાહક સંરક્ષણ (ઈ-કૉમર્સ) નિયમ, ૨૦૨૦માં સુધારો કરવાની વિચારણા કરી રહી છે અને સરકારે આ દિશામાં જનતા પાસેથી ૧૫ દિવસમાં સૂચનો પણ મગાવ્યાં છે.
સરકારે ઇન્ટરનેટ પર સર્ચ રિઝલ્ટમાં હેરાફેરી કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ઈ-કૉમર્સની કંપનીઓ અને પ્લૅટફૉર્મના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) પર ફરજિયાતપણે નોંધણી કરાવવાની પણ દરખાસ્ત કરી છે.
જોકેગ્રાહક બાબતોના મંત્રાલયના અધિક સચિવ નિધિ ખરેએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, મંત્રાલય ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર વેપારને નિયંત્રિત કરશે નહીં. માત્ર જો કોઈ ફરિયાદ મળશે અથવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથૉરિટી કોઈ મુદ્દે સુઓ-મોટો લેશે તો એવા ખોટા ફ્લૅશ સેલ પર કડક પગલાં લેવાશે.
ઉલ્લેખનીય છે કે પીડિત ગ્રાહકો તરફથી સરકારને મળેલી ફરિયાદમાં જણાવાયું છે કે ઈ-કૉમર્સ કંપનીઓ પર મોટાપાયે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેમને બિનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે ગેરમાર્ગે દોરવામાં આવે છે.