News Continuous Bureau | Mumbai
વિશ્વ સહિત દેશમાં મોંઘવારી રોકેટ ગતિએ વધી રહી છે ત્યારે સામાન્ય માણસોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. વધતા ભાવથી ઘરના બજેટ ખોરવાયા છે. સરકાર જોકે મોંઘવારીને કાબૂમાં કરવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કાબૂમાં કરવા માટે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, ત્યારબાદ ખાદ્ય તેલ અને ઘઉ પછી હવે ખાંડ ઉપર મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે પહેલા ઘઉની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો અને હવે પહેલી જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ડી.જી.એફ.ટી દ્વારા આ અંગે મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.
નોટિફિકેશનમાં પ્રતિબંધના કારણનો ઉલ્લેખ કરતા ડીજીએફટી સંતોષ કુમાર સારંગી તરફથી જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ બજારમાં ભાવ સ્થિર રહે અને ખાંડ સરળતાથી લોકોને ઉપલબ્ધ થઈ શકે તે માટે સરકારે આ ર્નિણય લીધો છે. નોટિફિકેશન મુજબ દરેક પ્રકારની ખાંડ જેમાં કાચી, રિફાઈન, અને સફેદનો સમાવેશ થાય છે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે. જો કે અહીં સીએક્સએલ અને ટીઆરક્યૂ કોટા હેઠળ યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાજ્ય અમેરિકાને અપવાદ રખાયા છે. જેમાં મર્યાદિત કોટામાં ખાંડ નિકાસ કરાય છે. ગ્રાહક મામલાના મંત્રાલય તરફથી આ અંગે જાણકારી અપાઈ છે.
આ સમાચાર પણ વાંચો : આતંકને કારમો ફટકો… ટેરર ફંડિગ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસિન મલિકને મળી આજીવન કેદની સજા, ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ…
આ અગાઉ સરકાર તરફથી સનફ્લાવર ઓઈલ અને સોયાબીન ઓઈલની આયાત પર કસ્ટમ ડ્યૂટી હટાવી લેવાઈ. જેની સીધી અસર તેલના ભાવ પર જોવા મળશે. નોંધનીય છે કે બ્રાઝીલ બાદ ભારત દુનિયામાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. આ અગાઉ સૂત્રો દ્વારા એવા સમાચાર આવ્યા હતા કે સરકાર ખાંડનો જથ્થો ઘરેલુ સ્તરે સુનિશ્ચિત કરવા તથા ભાવને કાબૂમાં રાખવા છ વર્ષમાં પહેલીવાર ખાંડની નિકાસને એક કરોડ ટન સુધી સિમિત કરી શકે છે. જોકે સાંજ પડતા નિકાસ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવાઈ. ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા અને કેટલાક આફ્રિકી દેશો ભારત પાસેથી મોટા પાયે ખાંડ ખરીદે છે.