ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
એમેઝોન સહિત અન્ય ઈ-કૉમર્સ કંપનીઓના ગેરવ્યહાર, ખોટી પૉલિસી અને નાના વેપારીઓનો ખાતમો બોલાવવાની નીતિ સામે અમેરિકા સીનેટમાં બિલ લાવવામાં આવવાનું છે, પરંતુ 2016ની સાલથી આ ઈ-કૉમર્સ કંપનીઓ સામે સતત ફરિયાદ કર્યા બાદ પણ ભારતીય સરકાર, રાજકીય પાર્ટીઓ અને સાંસદોના કાને આ વાત પહોંચતી નથી એવી નારાજગી દેશભરના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ વ્યક્ત કરી છે. એટલું જ નહીં પણ વિદેશી કંપનીઓ સામે સરકાર, સાંસદો અને સરકારી અધિકારીઓનું મૌન રહસ્યમયી હોવાનો આરોપ પણ CAIT દ્વારા કરવામાં આવ્યો છે.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ વિદેશી નાણાંથી ચાલનારી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સ કંપનીઓએ 2016ની સાલથી દેશના વેપારને તથા નાના વેપારીઓને નુકસાન પહોંચાડવાનું ચાલુ કરી દીધું છે. તેમની આવી વેપારનીતિ સામે અમેરિકાની બંને સંસદમાં એક બિલ લાવવામાં આવવાનું છે. એની સામે ભારત સરકાર, લોકપ્રતિનિધિઓ સહિત સરકારી અધિકારીઓ ચૂપચાપ બેસીને તમાશો જોઈ રહ્યા છે. એને કારણે દેશભરના વેપારીઓ ભારે આક્રોશમાં છે. આ કંપનીઓ સરકારી નિયમો અને પૉલિસીનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે અને સરકારમાં રહેલા અમુક લોકો તેમને સંરક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. એને કારણે દેશના વેપારીઓની ઉપેક્ષા થઈ રહી છે.
પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલું એક કાવતરું વર્ષ પછી આવ્યું સામે; જાણો શું છે?
CAIT દિવાળી બાદ 15 નવેમ્બરથી દેશનાં તમામ રાજ્યોમાં આના વિરુદ્ધ પ્રદર્શન કરવાની છે. એમાં તમામ રાજ્યોમાં ભારતીય વ્યાપાર ક્રાંતિ રથયાત્રા કાઢવાની છે. એનો પ્રારંભ લખનૌથી કરવામાં આવશે. આ રથ તમામ જિલ્લાઓમાં ફરીને વેપારીઓ અને અન્ય લોકોને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વિદેશી ઈ-કૉમર્સ કંપનીને મુદ્દે લોકોમાં અવેરનેસ લાવવાનું કામ કરશે.
એમેઝોન દેશના નાના ઉત્પાદનકર્તાઓના પ્રોડક્સની નકલ કરીને પછી ઓછા ભાવે વેચે છે. એને કારણે દેશના ઉદ્યોગધંધાને નુકસાન થઈ રહ્યું છે. છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સરકારી મંત્રાલાય ચૂપચાપ બેઠાં છે. જો અમેરિકામાં ઈ-કૉમર્સ કંપનીઓ સામે બિલ લાવી શકાય છે, તો પછી ભારતમાં કેમ નહીં? એવો સવાલ પણ CAITના પદાધિકારીઓએ કર્યો છે.