ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
નાના વેપારીઓને GSTમાં ITC-4ના રિટર્ન ફાઈલ કરવામાં અનેક અડચણો આવી રહી હતી. એ બાબતની રજૂઆત કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા સતત સરકારને કરવામાં આવી રહી હતી. ત્યારે આ મુદ્દે હાલમાં જ લખનૌમાં થયેલી GST કાઉન્સિલની 45મી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે, જેનો ફાયદો વેપારીઓને થયો છે. CAIT મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ફૉર્મ GST ITC-04ના નિયમ નંબર 45(3) ઑફ GST રૂલ્સમાં જે વેપારી જૉબ વર્કથી કામ કરાવે છે, તેને દર મહિને ITC-04 ભરવું ફરજિયાત હોય છે. CAIT દ્વારા આ ફૉર્મ ભરવામાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ સરકારને સતત કરવામાં આવતી હતી. તેથી તેને ધ્યાનમાં રાખીને GST કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જૉબ વર્ક કરનારા વેપારી જેનું ટર્ન ઓવર વાર્ષિક 5 કરોડથી ઓછું છે એને ITC-04 ફૉર્મ વાર્ષિક ભરવું પડશે અને જો ટર્ન ઓવર 5 કરોડથી વધુ છે તો વેપારીઓને વેપારના 6 મહિનામાં ITC-04નો ફૉર્મ ભરવું પડશે.
સરકારના આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો ટેક્સટાઇલ ટ્રેડર્સને થવાનો છે, જેમાં વૅલ્યુ એડિશનનું કામ જૉબ વર્કમાં થાય છે તથા જ્વેલરી ઉદ્યોગ અને ફૂટવેર ઉદ્યોગને પણ એનો ફાયદો થશે.